કેન્યાઃ આફ્રિકાના જંગલોમાં વસતા કાળા દીપડાની તસવીર હાલમાં એક બ્રિટિશ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે કેન્યાના જંગલમાં લીધી હતી. આ કાળો દીપડો એટલી હદે દુર્લભ છે કે ઘણા લોકો તેને માત્ર એક કાલ્પનિક પ્રાણી પણ માનતા હતા, પરંતુ હાલમાં બ્રિટનના વિલ બુરાર્ડ લ્યુકાસ નામના ૩૫ વર્ષીય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કેન્યાના જંગલમાં રાત્રે ફરી રહ્યા હતા તે સમયે તેમને પૂનમના ચંદ્રના પ્રકાશમાં અચાનક કાળો દીપડો જોવા મળી ગયો હતો અને તેમને તરત તક ઝડપી લઈને તેનો ફોટો પાડી લીધો હતો. છેલ્લા લગભગ એક સદી જેટલા સમયમાં કાળા દીપડાની આ પ્રથમ તસવીર લઈ શકાઈ છે. બાદમાં તે વાતને પુષ્ટિ મળી હતી કે આ કાળો દીપડો સગીર વયનો અને માદા દીપડો હતો અને એક સામાન્ય રંગના અન્ય દીપડાની સાથે પસાર થઈ રહ્યો હતો. કાળા દીપડા અત્યંત દુર્લભ છે. ખરેખર તે દીપડાની કોઈ જુદી પ્રજાતિ નથી પરંતુ ચામડીમાં મેલાનીન રંગ દ્રવ્યના વધુ પડતા પ્રમાણને કારણે કેટલાક દીપડા કાળા રંગના થઈ જાય છે.