લંડનઃ આયેશા હઝારિકાની હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્તિ કરાઇ છે. આયેશા હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્ત થયેલા આસામી મૂળના પ્રથમ બ્રિટિશ ભારતીય છે. પત્રકાર, બ્રોડકાસ્ટર અને સ્ટેન્ડ અપ કોમેડિયન એવા આયેશા હઝારિકાના પૂર્વજો અપર આસામના નોર્થ લખીમપુર વિસ્તારના છે. આયેશાનો જન્મ 1975માં બેલશિલમાં થયો હતો, તેમનો ઉછેર સ્કોટલેન્ડના કોટબ્રિજમાં થયો હતો.
ભારતીય મુસ્લિમ પરિવારના આયેશા હઝારિકાના પિતા લિયાકત અલી હઝારિકા 1960ના દાયકામાં યુકે આવ્યા હતા અને ગ્લાસગોમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. 9મી મેના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્તિ બા આયેશાને બેરોનેસ હઝારિકા ઓફ કોટબ્રિજની ઉપાધિ અપાઇ છે. આ પહેલાં આયેશા બ્રિટિશ નેતાઓના વિશેષ સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.
આયેશાએ જણાવ્યું હતું કે, મારા માટે આ દિવસ અદ્દભૂત રહ્યો હતો. મારા માતાપિતાએ યુકેમાં આકરી મહેનત કરી હતી. લેબર લોર્ડ તરીકે હાઉસમાં મારી નિયુક્તિ મોટું સન્માન છે. હઝારિકાને તેમની રાજકીય સેવાઓ માટે 2016માં એમબીઇ તરીકે સન્માનિત કરાયાં હતાં.
હીના બોખારી લંડન સિટી હોલમાં પાર્ટીનું નેતૃત્વ કરનાર પ્રથમ એશિયન મહિલા બન્યાં
લંડનઃ લંડન એસેમ્બ્લીમાં લિબરલ ડેમોક્રેટ્સના નેતા તરીકે હીના બોખારીની પસંદગી કરવામાં આવી છે. સિટી હોલમાં કોઇ રાજકીય પક્ષના નેતા નિયુક્ત થનારા હીના બોખારી પ્રથમ એશિયન સમુદાયના મહિલા છે. સાઉથ લંડનના મેર્ટોન વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બોખારી કેરોલિન પિજિયનનું સ્થાન લઇ રહ્યાં છે. બોખારીએ જણાવ્યું હતું કે, નવી ભુમિકા માટે ગૌરવ અનુભવી રહી છું.