લંડનઃ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ સાથે સંકળાયેલા એક બાળકોનું શારીરિક શોષણ કરનારી વ્યક્તિ સાથે સંબંધ હોવાના રિપોર્ટ સામે આવ્યા બાદ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ તેમના પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. જ્હોન સ્મિથ્સ દ્વારા કિશોરો અને યુવાઓના જાતીય શોષણની માહિતી હોવા છતાં તેની સામે વેલ્બીએ કોઇ પગલાં લીધાં નહોતાં.
આર્ચ બિશપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેં આર્ચબિશપ ઓફ કેન્ટરબરીના પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે મેં નામદાર કિંગની પરવાનગી માગી છે. એ વાત સ્પષ્ટ છે કે મારે વ્યક્તિગત અને સંસ્થાગત જવાબદારી સ્વીકારવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, મારા આ નિર્ણયથી સ્પષ્ટ થશે કે સુરક્ષિત ચર્ચના નિર્માણ માટેની જરૂરીયાત ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ સમજે છે અને તે માટે પ્રતિબદ્ધ છે. હું તમામ પીડિતોની વેદનામાં સહભાગી થવા માટે મારા હોદ્દા પરથી રાજીનામુ આપી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે, જે દિવસથી સ્મિથના કારનામા સામે આવ્યા છે ત્યારથી હું અત્યંત શરમની લાગણી અનુભવી રહ્યો છું અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની નિષ્ફળતાઓને સ્વીકારું છું.