લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલેએ લંડનમાં ઐતિહાસિક ગિલ્ડહોલમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતે તેની સંસદીય પ્રક્રિયાઓમાં સુધારા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)માં કરેલી પ્રચંડ પ્રગતિમાંથી યુકે પણ લાભ લઇ શકે છે.
ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય હાઇ કમિશન દ્વારા આયોજિત ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા સર હોયલેએ તાજેતરમાં ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે મેં સાંભળ્યું કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે રીતે નેતૃત્વ કરી રહ્યો છે તે જાણ્યા બાદ આ મુલાકાત આંખો ખોલી નાખનારી રહી હતી. એઆઇની મદદથી સંસદમાં 22 ભાષામાં ભાષાંતર એક અદ્દભૂત સફળતા છે. મને બ્રિટિશ સંસદની પ્રક્રિયામાં સુધારા માટે એઆઇનો સાથે મળીને ઉપયોગ કરવામાં આનંદ થશે. બંને દેશની મહાન સંસદોએ સાથે મળીને કામ કરવું જોઇએ અને લોકશાહી મજબૂત બનાવવા એકબીજા પાસેથી શીખવું જોઇએ.
આ પ્રસંગે યુકેના હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે હેલ્થ અને લાઇફ સાયન્સિઝમાં ભારત અને યુકે વચ્ચે ગયા સપ્તાહમાં થયેલી ભાગીદારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ કરાર આરોગ્ય સેક્ટરમાં બંને દેશ વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનાવશે.
સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, ભારત એક વૈશ્વિક મહાસત્તા છે તેમાં કોઇ શંકા નથી. આ સદીમાં ભારત આપણા વિશ્વને નવો આકાર આપવા અને માનવતા માટે મહત્વનું યોગદાન આપવાનો છે. તેથી ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ મહત્વના બની જાય છે.