લંડનઃ ઘરઆંગણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી યુકેની યુનિવર્સિટીઓ ભારતમાં પોતાનું ભાવિ શોધી રહી છે. ભારતમાં 40 મિલિયન કરતાં વધુ વિદ્યાર્થી છે અને હાયર એજ્યુકેશનમાં આ સોનાની ખાણનો લાભ લેવા હવે યુકેની યુનિવર્સિટીઓ પણ તૈયારી કરી રહી છે.
સાઉધમ્પટન યુનિવર્સિટીએ તો દિલ્હીના સેટેલાઇટ સિટી ગણાતા ગુરગાંવમાં કેમ્પસ ખોલી દીધું છે અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું પણ શરૂ કર્યું છે. અન્ય બ્રિટિશ યુનિવર્સિટીઓ પણ પાછળ રહેવા માગતી નથી. ન્યૂકેસલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ક્રિસ ડેએ જણાવ્યું હતું કે, દરરોજ નવી નવી જાહેરાતો સામે આવી રહી છે. ન્યૂકેસલ યુનિવર્સિટીએ પણ ભારતમાં કેમ્પસ ખોલવું જોઇએ. સરે, કોવેન્ટ્રી અને અન્ય યુનિવર્સિટીઓ પણ ભારતમાં કેમ્પસની યોજના તૈયાર કરી રહી છે.
દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર આરતી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વર્ષ 2023 સુધી વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલી શક્તી નહોતી. પરંતુ હવે રેગ્યુલેશન્સમાં બદલાવ થતાં વિદેશી યુનિવર્સિટીના કેમ્પસના દ્વાર ખુલી ગયાં છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી વધુ વસતી અને યુવાનો ધરાવતો દેશ છે. યુકેની યુનિવર્સિટીઓ પણ ભારતના આ યુવાધનનો લાભ અંકે કરી લેવા માગે છે. ભારતમાં રહેવાનો ખર્ચ યુકે કરતાં ઘણો ઓછો આવે છે તેથી ઓછા ખર્ચે વિદેશી ડિગ્રી હાંસલ કરવામાં ભારતીય વિદ્યાર્થીઓને પણ રસ પડશે.
સરે યુનિવર્સિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં 2026-27માં કેમ્પસ શરૂ કરશે
વિશ્વની ટોચની 300 યુનિવર્સિટીમાં સામેલ સરે યુનિવર્સિટી ભારતના ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2026-27માં કેમ્પસ શરૂ કરવા જઇ રહી છે. શરૂઆતમાં યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફાઇનાન્સ, સાયબર સિક્યુરિટી જેવા અભ્યાસક્રમો ઓફર કરાશે તેમ વાઇસ ચાન્સેલર જી એમ લુએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, એઆઇ અભ્યાસક્રમોના મામલામાં યુકેમાં અમારી યુનિવર્સિટી નંબર વન છે. અમે ભારતની સ્થાનિક જરૂરીયાતો પ્રમાણે અભ્યાસક્રમો ઓફર કરીશું. વિદ્યાર્થીઓને યુકેમાં સેમેસ્ટર એક્સચેન્જ ઓપર્ચ્યુનિટીનો વિકલ્પ પણ અપાશે. કેમ્પસમાં ભારતીયની સાથે યુકેના પ્રોફેસરો પણ શિક્ષણકાર્ય કરશે.