લંડનઃ યુકેના પ્રથમ મહિલા ભારતીય મેજિસ્ટ્રેટ ચાંદ લાલ સરિન નિવૃત્ત થયાના 25 વર્ષ વીતી ચૂક્યાં છે અને નવેમ્બર 2013માં તેમનું નિધન થયું હતું. ચાંદ લાલ સરિનનો જન્મ બર્મામાં થયો હતો અને 1962માં તેઓ ભારતના પંજાબથી યુકે આવી કોવેન્ટ્રીમાં સ્થાયી થયા હતા. 1942માં જાપાને બર્મા પર હુમલો થયો ત્યારે દેશ છોડીને નાસી છૂટેલા સૌથી છેલ્લા લોકોમાં તેમનો સમાવેશ થતો હતો. તેઓ પગપાળા જ ભારત પહોંચ્યા હતા. ચાંદ મહિલાઓ અને દક્ષિણ એશિયન સમુદાયના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર કામ કરતાં હતાં.
યુકેમાં પ્રથમ એશિયન મેજિસ્ટ્રેટ બન્યાં તે પહેલાં તેઓ પોલીસના ભાષાંતરકાર તરીકે કામ કરતા અને સ્થાનિક ક્લબોમાં ભારત અંગે વાર્તાલાપ કરતાં. તેમના પતિ દમન ફોલેસહિલમાં ડેન્ટલ પ્રેકટિસ કરતા હતા. કોવેન્ટ્રીના ભારતીય સમુદાયના લોકો માટે તેમની સર્જરી ઘણી મદદરૂપ પૂરવાર થતી હતી.
ચાંદે સાઉથ એશિયન સમુદાયની મહિલાઓને મદદ કરવા માટે પણ ઘણા કામ કર્યાં હતાં. રોટરી ક્લબ ખાતે ચાંદ અને તેમના પતિની સ્વયંસેવી સેવાઓ નોંધપાત્ર રહી હતી. તેમની દીકરી રેણુકા કહે છે કે મારી માતા સમુદાય માટે એક સ્થંભ સમાન હતા. મારા પિતાને તેમની સેવાઓ માટે ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા ઓબીઇથી સન્માનિત કરાયા હતા.