લંડનઃ યુકેમાં કોરોના વાઈરસથી થતા મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાવા સાથે આશાનું એક કિરણ દેખાયું છે કે યુકેમાં રોગચાળાનું જોર ધીમું પડવાની શરૂઆત થઈ હોઈ શકે. નવા ૧૮૦ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૪૦૮ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨૨,૧૪૧ થઈ હતી. ૨૮ માર્ચ શનિવારે બ્રિટનમાં સૌથી વધુ ૨૬૦, રવિવારે ૨૦૯ મોત નોંધાયા હતા. ગત ૨૪ કલાકમાં ઈંગ્લેન્ડમાં ૧૫૯, વેલ્સમાં ૧૪, સ્કોટલેન્ડમાં ૬ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં એક પેશન્ટનું મોત થયું હતું. જોકે, સત્તાવાળા પાસે હોસ્પિટલની બહાર થયેલા મોતનો આંકડો હજુ આવ્યો ન હોવાથી નવેસરથી ઉછાળાની ચિંતા પણ સેવાય છે.
દરમિયાન, બ્રિટનમાં ગત ૨૪ કલાકમાં સેંકડો લોકોના પરીક્ષણો પછી કન્ફર્મ કોરોના કેસની સંખ્યા ૨૦,૦૦૦ને પાર થઈ છે. યુકેમાં રોગચાળો ધીમો પડ્યો હોવાના સંકેત હોવા છતાં મૃત્યુની સંખ્યામાં વધારો થશે તેવી ચેતવણી સરકારી નિષ્ણાત નીલ ફર્ગ્યુસને આપી છે. તેમણે કહ્યું છે કે આશરે ૨૦ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોઈ શકે. બીજી તરફ, ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જેની હેરિસે ચેતવણી આપી છે કે બ્રિટિશરોએ છ મહિના સુધી ‘નોર્મલ લાઈફ’માં પાછાં ફરવાની અપેક્ષા રાખવી ન જોઈએ. કદાચ તેનાથી વધુ સમય પણ લાગી શકે છે.
• દરમિયાન, ઈઝીજેટ એરલાઈન્સે તેના ૩૩૦થી વધુ વિમાનનો કાફલો ભૂમિગત કરી દીધો છે. યુકેમાં એરલાઈન્સોએ કામગીરી બંધ કરવાની ફરજ પડી છે અને ઉદ્યોગ મુશ્કેલીમાં છે.
• પ્રિન્સ ચાર્લ્સ કોરોનાના ચેપના નિદાન સાથે સ્વ-એકાંતવાસમાં હતા. તેઓ સાત દિવસે બહાર આવ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે.
• યુકેના અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે દેશની GDPમાં ૧૫ ટકા ઘટાડો થશે અને બેરોજગારી બમણી થશે.
• મિનિસ્ટર્સે ચાવીરુપ સ્ટાફ કામે લાગી શકે તે માટે ચોથા ભાગની વસ્તીનું પરીક્ષણ કરવા ૧૭.૫ મિલિયન એન્ટિબોડી ટેસ્ટિંગ કિટ્સનો ઓર્ડર આપ્યો છે.
રોગચાળો ધીમો પડ્યો હશે પણ મોત વધશે
બ્રિટનને લોકડાઉનમાં મૂકવાના સરકારના પગલાંના પરિણામે દેશમાં જીવલેણ કોરોના વાઈરસનો રોગચાળો ધીમો પડ્યો હોઈ શકે તેવી શક્યતા સરકારના નિષ્ણાત નીલ ફર્ગ્યુસને દર્શાવી છે. જોકે, મૃત્યુની સંખ્યા વધતી રહેશે તેવી ચેતવણી પણ આપી છે. હોસ્પિટલમાં એડમિશનની સંખ્યા ઘટી છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના નિષ્ણાતોએ યુકેમાં ‘હર્ડ ઈમ્યુનિટી’ના નિર્માણની સ્થિતિનો વિરોધ કર્યો હતો તે રિપોર્ટના આલેખકોમાં ફર્ગ્યુસન એક હતા. આ પછી, બ્રિટને લોકડાઉન સહિતના કઠોર પગલાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે યુકેની વસ્તીના ત્રણ ટકા-આશરે બે મિલિયન લોકોને ચેપ લાગ્યો હોઈ શકે અને લંડનમાં ચેપ લાગ્યાનું જોખમ વસ્તીના પાંચ ટકા જેટલું હોઈ શકે.
દરમિયાન, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની પ્રોફેસર માઈકલ લેવિટે દાવો કર્યો છે કે ન્યૂ યોર્ક સિટી અને ઈટાલીમાં કોરોના વાઈરસ રોગચાળાના વળતાં પાણી શરૂ થઈ ગયા છે. પ્રોફેસર લેવિટે જ અધકચરા ડેટાના વિશ્લેષણ પછી ચીનમાં કટોકટીના અંતની સ્પષ્ટ આગાહી કરી હતી. તેમમે ઉમેર્યું હતું કે સ્પેનમાં રોગચાળો ધીમો પડ્યાના સંકેત છે. જોકે, યુકે માટે આમ કહી શકાય તે માટે પૂરતો ડેટા મળ્યો નથી.