લંડનઃ સોશિયલ મીડિયા પર કથિત એન્ટીસેમેટિક પોસ્ટ માટે બ્રિટિશ ફિલ્મ નિર્માતા આસિફ કાપડિયાને ગ્રિયરસન ટ્રસ્ટના પેટ્રનપદેથી હટાવી દેવાયા છે. જોકે ટ્રસ્ટે કાપડિયાની હકાલપટ્ટી સાથે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષને કોઇ લેવાદેવા હોવાનો ઉલ્લેખ કર્યો નથી. કાપડિયાએ તેમની પોસ્ટમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને તેલ અવીવ દ્વારા ગાઝા પર કરાયેલા હુમલાનો ઉલ્લેખકર્યો હોવાનું કહેવાય છે.
ઓસ્કાર અને બાફ્ટા પુરસ્કારો જીતી ચૂકેલા આસિફ કાપડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી તેમનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને જનતા માટે બંધ કરી દીધું છે. કાપડિયા સેન્ના, એમી અને ડિયેગો મારાડોના જેવી દસ્તાવેજી ફિલ્મો માટે જાણીતા છે. ગ્રિયરસન ટ્રસ્ટ સમગ્ર વિશ્વમાં દસ્તાવેજી ફિલ્મો તૈયાર કરતા ફિલ્મ નિર્માતાઓને સહાય કરે છે.