લંડનઃ બ્રિટનની સંઘર્ષ કરી રહેલી કોર્ટ સિસ્ટમ પર વધારાનો બોજો ન પડે તે માટે વ્યક્તિને પોતાના જીવનનો અંત લાવવા માટેની પરવાનગી આપતો નિર્ણય સીનિયર જજ દ્વારા લેવામાં આવે તેવી આસિસ્ટેડ ડાઇંગ બિલની જોગવાઇ હટાવી લેવાશે. અગાઉ આ જોગવાઇમાં જણાવવામાં આવ્યું હતું કે, વ્યક્તિને જીવનનો અંત લાવવાની પરવાનગી આપતા પહેલાં હાઇકોર્ટના જજ દ્વારા દરેક કેસની તપાસ કરાશે અને વ્યક્તિ જીવનનો અંત આણવા માટે યોગ્ય છે કે કેમ તે અંગે નિર્ણય લેશે.
ખરડો રજૂ કરનાર લેબર સાંસદ કિમ લીડબીટરે સુધારો રજૂ કરતાં આ જોગવાઇ હટાવી લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સુધારા અંતર્ગત હવે વ્યક્તિના મોત અંગેનો નિર્ણય સીનિયર જજને બદલે નિષ્ણાતોની પેનલ દ્વારા લેવાશે જેમાં સામાજિક કાર્યકર્તાઓ, માનસિક રોગોના નિષ્ણાતને સામેલ કરાશે.
લીડબીટરે જણાવ્યું હતું કે, આ બદલાવથી સિસ્ટમ વધુ સુદ્રઢ બનશે.જોકે આ ખરડાનો વિરોધ કરી રહેલાઓ સુરક્ષિત જોગવાઇ હટાવવા માટે ટીકા કરી શકે છે. ખરડાના સેકન્ડ રીડિંગમાં 60 કરતાં વધુ સાંસદે પ્રોસેસમાં હાઇકોર્ટના જજને સામેલ કરવાની તરફેણ કરી છે.
લીડબીટરના પ્રસ્તાવ અનુસાર પેનલ દ્વારા દરેક અરજીની સમીક્ષા કરાશે અને તેના વડા કોઇ સીનિયર લીગલ વ્યક્તિ રહેશે. જો કે તે વ્યક્તિ જજ હોવી જરૂરી નથી. જરૂર જણાય તો હાઇકોર્ટ દ્વારા પેનલના નિર્ણયની સમીક્ષા થઇ શકશે.