લંડનઃ લેબર સાંસદ દ્વારા રજૂ થયેલા આસિસ્ટેડ ડાઇંગ બિલનો યુકેના હિન્દુ અને શીખ અગ્રણીઓ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો છે. શુક્રવાર 29 નવેમ્બરના રોજ આ બિલ પર પ્રથમ મતદાન યોજાય તે પહેલાં તેનો વિરોધ કરતા પત્ર અભિયાનમાં ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ આગેવાનો સાથે હિન્દુ અને શીખ અગ્રણીઓ પણ જોડાયા છે. આ બિલ ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓને તેમના જીવનના અંતિમ 6 મહિનામાં જીવનનો અંત લાવવા ડોક્ટરની સહાય આપવાની જોગવાઇ કરે છે.
કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના પ્રમુખ કાર્ડિનલ નિકોલસ, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પૂર્વ આર્ચબિશપ રેવ. જસ્ટિન વેલ્બી સહિત મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને આ ખરડાનો ઉગ્ર વિરોધ કર્યો છે. હવે આ વિરોધમાં બ્રિટિશ હિન્દુ અને શીખ અગ્રણીઓએ પણ પોતાનો સૂર પૂરાવ્યો છે.
હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોત, ગુરૂ નાનક નિષ્કામ સેવક જથ્થાના પ્રમુખ અને આધ્યાત્મિક આગેવાન ભાઇ સાહિબ મોહિન્દર સિંહ આહલુવાલિયા, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલ, ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના અધ્યક્ષ મેહૂલ સંઘરાજકા, વિમ્બલડનના લોર્ડ સિંહ, નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સ યુકેના ડિરેક્ટર અને અન્ય ધાર્મિક આગેવાનોએ વિરોધ પત્રમાં હસ્તાક્ષર કર્યાં છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમે સૌથી નબળાં, વૃદ્ધ અને વિકલાંગો પર આ બિલની અસરોથી ઘણા ચિંતિત છીએ. તેમના પર તેમના જીવનનો વહેલો અંત લાવવાનું દબાણ થઇ શકે છે. કેનેડા અને ઓરેગોનના દાખલા આપતા તેમણે જણાવ્યું છે કે નિયમોની જોગવાઇ હોવા છતાં નબળાં અને ગરીબ લોકોને સંરક્ષણ આપી શકાતું નથી. સરકારે આ પ્રકારના કાયદા ઘડવાને બદલે પેલેટિવ કેરમાં વધુ આર્થિક સહાય આપવી જોઇએ.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટને હેલ્થ સેક્રેટરીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, હિન્દુ વિચારધારા પ્રમાણે મોક્ષ જન્મ અને મોતનું ચક્ર છે. આત્માને કોઇ હાનિ પહોંચાડી શક્તું નથી. હિન્દુ ધર્મ ઇચ્છા મૃત્યુને અયોગ્ય ગણાવે છે. હિન્દુ ધર્મ કોઇને આત્મહત્યામાં સહાય કરવાનું શીખવતો નથી. આસિસ્ટેડ ડાઇંગ અહિંસાના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે. અમે હિન્દુ હિંસા અને હત્યાને સમર્થન આપતાં નથી. તેથી હિન્દુ ધર્મ આસિસ્ટેડ ડાઇંગને સમર્થન આપતો નથી.