લંડનઃ મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સિટિઝનશિપ સીમા મલ્હોત્રાએ ઇ-વિઝાના પ્રારંભના સંદર્ભમાં હાઉસ ઓફ કોમન્સમાં વિગતવાર માહિતી આપી હતી. સરકાર અગાઉ કરાયેલી જાહેરાત પ્રમાણે 1 જાન્યુઆરી 2025થી ઇ-વિઝાનું સંપુર્ણ અમલીકરણ થવાનું હતું પરંતુ હવે સરકાર ઉતાવળ કરવા માગતી નથી. તેને ભય છે કે ઉતાવળ કરવાથી વિન્ડરશ પ્રકારનું સ્કેન્ડલ થઇ શકે છે.
સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઇ-વિઝાના સંપુર્ણ અમલીકરણના કેટલાક જોખમો અંગે સરકાર ચિંતિત છે. વિશેષ કરીને બીઆરપી અને લેગસી ડોક્યુમેન્ટથી ઇ-વિઝા પ્રાપ્ત કરનારા લોકોની હજુ સંપુર્ણપણે ઓળખ થઇ શકી નથી. તે ઉપરાંત સરકારને ઘણી ફરિયાદો પણ મળી રહી છે તેથી અમે તેના પર સલાહ પ્રાપ્ત કરી રહ્યાં છીએ.
સંભાવના છે કે રદબાતલ થઇ રહેલાં બીઆરપી અને બાયોમેટ્રિક રેસિડેન્સ કાર્ડની અવધિ હવે ઓછામાં ઓછી 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવે. તેનો અર્થ એ થયો કે 31 ડિસેમ્બર 2024ના રોજ એક્સપાયર થઇ રહેલાં બીઆરપી અને બીઆરસી હવે તે સમય પછી પણ પ્રવાસ માટેના માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે.
સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 3.1 મિલિયન લોકોએ ઇ-વિઝા પ્રાપ્ત કરી લીધાં છે. ઘણા ઓછા લોકોને તે પ્રાપ્ત કરવામાં સમસ્યાનો નડી રહી છે. સરકાર ઇચ્છે છે કે મહત્તમ લોકો વર્ષના અંત સુધીમાં ઇ-વિઝા હાંસલ કરી લે. અમે લોકોને ઇ-વિઝા પ્રાપ્ત કરવામાં સહાય આપી રહ્યાં છીએ.