લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે પહોંચવાનો પ્રયાસ કરતી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની એક નાવ ઉત્તર ફ્રાન્સના દરિયા કિનારા નજીક ઊંધી વળી જતાં 40 વર્ષના એક ભારતીયનું મોત થયું હતું. આ સાથે આ વર્ષે ઇંગ્લિશ ચેનલ પાર કરવાના પ્રયાસમાં થયેલા મોતનો આંકડો 56 પર પહોંચી ગયો હતો.
સોમવારે વહેલી સવારે 5.30 કલાકે કેટલાક માઇગ્રન્ટ ટાર્ડિંગહેન શહેર નજીકના દરિયાકિનારાથી એક નાની બોટમાં સવાર થયાં હતાં. જોકે આ બોટ ખસ્તાહાલ હોવાથી દરિયામાં થોડે દૂર ગયા બાદ ઊંધી વળી ગઇ હતી. કેટલાક માઇગ્રન્ટ તરીને દરિયા કિનારા પર પહોંચ્યા હતા. બોટમાં સવાર માઇગ્રન્ટ્સને લાઇફ જેકેટ પણ ઉપલબ્ધ કરાવાયાં નહોતાં. તરીને બચવાનો પ્રયાસ કરનાર ભારતીયને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. પોલીસે તેને સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનું મોત થયું હતું. મૃતક ભારતીયની ઓળખ હજુ જાહેર કરાઇ નથી.
ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચનારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા ઓક્ટોબર 2024માં જ 2023ના આંકડાને પાર કરી ગઇ છે.