લંડન
વધતી મોંઘવારીના પગલે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ઉનાળામાં બીજીવાર એજ્યુકેશન લોનના વ્યાજદરોમાં ઘટાડો કરાયો છે. મંત્રીઓના હસ્તક્ષેપના કારણે આ ઘટાડો શક્ય બન્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરથી સ્ટુડન્ટ લોન પર 6.3 ટકા મહત્તમ વ્યાજદર રહેશે. આ પહેલાં જૂન મહિનામાં વ્યાજદર ઘટાડીને 7.3 ટકા કરાયો હતો. અગાઉ સ્ટુડન્ટ લોન પર 12 ટકા વ્યાજ વસૂલાતું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને જણાવ્યું હતું કે, આ નિર્ણયને કારણે 45000 પાઉન્ડની સ્ટુડન્ટ લોન લેનારે અગાઉના 12 ટકા વ્યાજદરની સરખામણીમાં પ્રતિ માસ 210 પાઉન્ડ ઓછુ વ્યાજ ચૂકવવું પડશે. સ્ટુડન્ટ લોનની માસિક પુનઃચૂકવણીની ગણતરી તેના વ્યાજદર અથવા તો લોનની રકમને બદલે આવકના આધારે કરવામાં આવે છે. સ્નાતકોએ તેમની આવકના 9 ટકા ચૂકવવાના રહે છે અને રિપેમેન્ટની વાર્ષિક મર્યાદા 27295 પાઉન્ડ ઠરાવેલી છે.
ઇન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો લાભ અમીર વિદ્યાર્થીઓને થશે. સંસ્થાએ ચેતવણી આપી હતી કે વધી રહેલી મોંઘવારી સામે હાલના વિદ્યાર્થીઓને આ નિર્ણયથી કોઇ લાભ થવાનો નથી. સંસ્થાના રિસર્ચ ઇકોનોમિસ્ટ બેન વોલ્ટમેને જણાવ્યું હતું કે, ગ્રેજયુએટ્સ માટે આ આવકારદાયક નિર્ણય છે . ટિપિકલ સ્ટુડન્ટ લોન બેલેન્સ ધરાવતા હાલના ગ્રેજ્યુએટોના બેલેન્સમાં 100 પાઉન્ડ ઓછું વ્યાજ ઉમેરાશે. જોકે પોતાની સંપુર્ણ લોન ચૂકવી દેવામાં સક્ષમ હાઇ અર્નિંગ ગ્રેજ્યુએટ્સને જ આ નિર્ણયથી લાભ થવાનો છે. મોટાભાગના ગ્રેજ્યુએટ્સની પુનઃચૂકવણી પર કોઇ અસર પડશે નહીં. વ્યાજદરમાં ઘટાડાના કારણે હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મોંઘવારી સામે કોઇ લાભ થવાનો નથી. ફુગાવાની આગાહીમાં રહેલી ખામીઓના કારણે વિદ્યાર્થીની લિવિંગ કોસ્ટ ઓછી દર્શાવવામાં આવી રહી છે. સરકાર નિયમોમાં બદલાવ નહીં કરે ત્યાં સુધી ગરીબ પરિવારના વિદ્યાથીઓને તેમના ખિસ્સામાંથી દર મહિને 100 પાઉન્ડ ઢીલા કરવા પડશે.
ઉચ્ચ શિક્ષણ મંત્રી એન્ડ્રીયા જેનકિન્સે જણાવ્યું હતું કે, ઘણા લોકો મોંઘવારીથી થઇ રહેલી અસરોથી ચિંતિત છે. અમે લોકોને આશ્વાસન આપીએ છીએ કે અમે અમારાથી બનતી તમામ સહાય કરીશું. જૂન મહિનામાં અમે સ્ટુડન્ટ લોન પરન વ્યાજદર 12 ટકાથી ઘટાડીને 7.3 ટકા કર્યો હતો. હવે અમે એક ટકાના ઘટાડા સાથે વ્યાજદર 6.3 ટકા કર્યો છે.