લંડનઃ સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકામાં ઇંગ્લેન્ડની શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને જેન્ડર આઇડેન્ટિટી અંગે શિક્ષણ અપાશે નહીં. સરકાર શાળાઓમાં 9 વર્ષથી નાના બાળકોને સેક્સ એજ્યુકેશન નહીં આપવા અંગેની યોજના પર પણ વિચારણા કરી રહી છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકા દ્વારા સુનિશ્ચિત કરાશે કે બાળકો સુધી કોઇપણ પ્રકારની વિચલિત કરનારી માહિતી ન પહોંચે.
યુકેમાં ટ્રાન્સજેન્ડર મુદ્દે વધતી ચિંતાઓ મધ્યે ગયા ગુરુવારે જાહેર કરાયેલા સરકારી પ્રસ્તાવોમાં 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને જેન્ડર આઇડેન્ટિટી અંગેનું શિક્ષણ નહીં અપાય. શિક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નવી માર્ગદર્શિકા અંતર્ગત કોઇપણ આયુના વિદ્યાર્થીઓને કન્ટેસ્ટેડ થિયરી ઓફ જેન્ડર આઇડેન્ટિટી શીખવાશે નહીં.
એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગને જણાવ્યું હતું કે, બાળકો તેમના બાળપણને માણી શકે અને ઝડપથી પુખ્ત ન બની જાય તે માટે અમે આ પગલાં લઇ રહ્યાં છીએ. તેથી જ આ સંવેદનશીલ મામલાના શિક્ષણ માટે સરકારે ચોક્કસ વયમર્યાદા નક્કી કરી દીધી છે.
ઇંગ્લેન્ડની શાળાઓમાં 2020થી સેક્સ એજ્યુકેશન દાખલ કરાયું હતું અને 11 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને સેક્સ એજ્યુકેશન અપાતું હતું. પરંતુ સેક્સ એજ્યુકેશનમાં આવતો વિષય જેન્ડર આઇડેન્ટિટી સમાજમાં વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.