લિવરપુલ: ઈંગ્લેન્ડના લિવરપૂલમાં ૧૧મી સદી વખતે જેનું અસ્તિત્વ હતું એવા વૃક્ષને હાલમાં ૨૧મી સદીમાં ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓકનું આ વૃક્ષ નોર્મસે ઇંગ્લેન્ડ પર વિજય મેળવ્યો એ વખતે એટલે કે ૧૦૬૬ની સાલમાં પણ મોજૂદ હતું. ૨૦૧૪ની સાલથી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં કોઈ ખાસ ઇતિહાસ ધરાવતા વૃક્ષોને ટ્રી ઓફ ધ યર માટે પસંદ કરવામાં આવેે છે. ૨૦૧૯માં એનું બહુમાન લિવરપૂલના ઓકના વૃક્ષને મળ્યું છે.
આ વૃક્ષો કેટલાં જૂનાં છે એ તો ઠીક પણ સાથે એની સુંદરતા પણ કેવી છે એ પણ મહત્ત્વનું છે અને એ માટે લોકો પાસેથી વોટિંગ પણ કરાવવામાં આવે છે. આ ઓકના વૃક્ષે કુલ ૧૧,૦૦૦ મતમાંથી ૩૪ ટકા મત મેળવ્યા હતા. એની સામે સ્પર્ધામાં એસેક્સમાં એક મહેલ પર ઉગેલું ગૂલરનું વૃક્ષ અને વાઇટ આઇલેન્ડ પર આવેલું એક ડ્રેગન ટ્રી હતું.
ઓકનું આ વૃક્ષ હવે યુરોપિયન ટ્રી ઓફ ધ યરની સ્પર્ધામાં આવતા વર્ષે ભાગ લેશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોઈ સૈનિક યુદ્ધ માટે નીકળતો ત્યારે આ ઝાડનાં પાંદડાં ખિસ્સામાં રાખતો હતો. એવી માન્યતા હતી કે એમ કરવાથી સૈનિકની રક્ષા થાય છે.
જેટલો જૂનો એનો ઇતિહાસ છે એટલી જ રસપ્રદ કહાણીઓ એની સાથે વણાયેલી છે. લોકવાયકા જ નહીં, ૧૮૦૬માં વિલિયમ્સે લખેલી એક બુકમાં પણ ઉલ્લેખ થયો છે કે આ વૃક્ષ હકીકતમાં એક ડરામણા ડ્રેગનનું શરીર છે. કોઈ યોદ્ધાએ ડ્રેગનને મારી નાખ્યો હતો એટલે એનું શરીર વૃક્ષમાં તબદિલ થઈ ગયું હતું. ૧૮૬૪માં એક જહાજમાં ભરેલો દારૂગોળો ફાટતાં આ વૃક્ષમાં તિરાડો પડી ગયેલી અને એમ છતાં એ બચી ગયું હતું.