લંડનઃ છેલ્લા એક સપ્તાહથી સમગ્ર બ્રિટનને ભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. શુક્રવારે ભારે વરસાદના કારણે સ્ટેશનો અને મોટરવે પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં અને શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી. શ્રોપશાયરમાં થઇને પસાર થતી ટ્રેનોને વેલિંગ્ટન સ્ટેશન પર પાણી ભરાઇ જતાં સ્થગિત કરાઇ હતી. ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણે વેનિસની કેનાલ જેવાં દ્રશ્યો સર્જાયાં હતાં. પાણી ભરાઇ જવાના કારણે લંડન નોર્થ વેસ્ટર્ન રેલવેની ટ્રેનો બ્લેચલી અને બેડફોર્ડ વચ્ચે એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવાઇ હતી. એમ5 પર પાણી ભરાઇ જવાના કારણે ફાયર અને રેસ્ક્યૂ સર્વિસે સંખ્યાબંધ વાહનચાલકોને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. પૂરના કારણે બેડફોર્ડશાયર અને બર્મિંગહામમાં શાળાઓ બંધ કરી દેવાઇ હતી. ઇંગ્લેન્ડમાં શુક્રવારે 63 ફ્લડ વોર્નિંગ જારી કરાઇ હતી. લંડનમાં શુક્રવાર સવારથી જ સડકો જળમગ્ન બની હતી. બેડફોર્ડશાયર, નોર્થમ્પ્ટનશાયર અને ઓક્સફોર્ડશાયર સહિતના વિસ્તારોમાં પૂરને કારણે મિલકતોને વ્યાપક નુકસાન થયું હતું. .