લંડનઃ કોરોના સંક્રમણને કારણે લોકડાઉન થયું ત્યારે દુનિયાભરમાં ટ્રેન અને વિમાની સેવા સહિત તમામ પ્રકારનું જાહેર પરિવહન બંધ કરી દેવાયું હતું. આ દરમિયાન ૧૦ વર્ષનો રોમિયો કોક્સ તેના દાદીને મળવા ૨,૮૦૦ કિમીની સફરે ચાલતો નીકળી પડ્યો. તેણે ઇટલીના સિસલીથી તેના પિતા ફિલ કોક્સ સાથે ૨૦ જૂને સફર શરૂ કરી અને ૨૧ સપ્ટેમ્બરે લંડન પહોંચી ગયો. હાલ બન્ને આઇસોલેશનમાં છે. ક્વોરેન્ટાઇન પૂરો થયા બાદ દાદી સાથે તેની મુલાકાત થશે. ૯૩ દિવસની આ સફરમાં રોમિયો અને તેના પિતા ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સ જેવા ૩ મોટા દેશ પાર કરીને બ્રિટન પહોંચ્યા. આ દરમિયાન બન્નેએ ક્યારેક બોટ પર, ક્યારેક ભાડાની સાઇકલ પર, ખચ્ચર પર તો ક્યારેક લિફ્ટ લઇને મુસાફરી કરી. આ દરમિયાન બન્નેએ ચેરિટી માટે ૧૨ હજાર પાઉન્ડ પણ એકઠા કર્યા. રોમિયોએ કહ્યું કે, ‘આ સફર દરમિયાન અમારે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો પણ સફર યાદગાર રહી. અમે ઘણી વાર માર્ગમાં ભૂલા પણ પડી ગયા. એક વાર તો ભૂલથી મધપૂડા નીચે સૂઇ ગયા હતા. પગમાં સોજો આવી ગયો હતો પણ અમે હાર ન માની. દાદીને અમે લગભગ એક વર્ષ બાદ મળીશું. તેઓ લોકડાઉનમાં એકલા રહેવા મજબૂર હતા.’