લંડનઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટેનો ગ્રેજ્યુએટ વિઝા રૂટ યથાવત રાખવાની ભલામણ કરતાં માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ દ્વારા ચૂકવાતી ફી દ્વારા લંડન અને દેશના અન્ય હિસ્સાઓમાં આવેલી યુનિવર્સિટીઓને વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા અને રિસર્ચમાં મદદ મળી રહે છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દ્વારા મળતા આર્થિક યોગદાનના કારણે બ્રિટિશ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં યુનિવર્સિટીઓને થઇ રહેલી ખોટ ભરપાઇ થઇ રહી છે. જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની આવક બંધ થશે તો ઘણી યુનિવર્સિટીઓના શટર પડી જશે.
કમિટીના ચેરમેન પ્રોફેસર બ્રાયન બેલે જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી થતી ફીની આવકમાંથી જ યુનિવર્સિટીઓ રિસર્ચના ખર્ચ ઉઠાવી શકે છે. તેમના વિના યુનિવર્સિટીઓમાં રિસર્ચ કાર્ય ઠપ થઇ જશે. ઇમિગ્રેશન પોલિસી અને હાયર એજ્યુકેશન પોલિસી વચ્ચેનો સંબંધ ઘણો જટિલ છે.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર વધુ નિયંત્રણો લાદવાનો વિચાર પડતો મૂકોઃ જસ્ટિન ગ્રીનિંગ
કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગે વડાપ્રધાન રિશી સુનાકને જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર વધુ નિયંત્રણો લાદવાનો આત્મઘાતી વિચાર પડતો મૂકો. સરકારે આશ્વાસન આપવું જોઇએ કે નેટ ઇમિગ્રેશન ઘટાડવા માટે ગ્રેજ્યુએટ રૂટને નાબૂદ નહીં કરાય.
વિદેશી વિદ્યાર્થીઓ ઘટતાં લંડન યુનિવર્સિટીમાં સેંકડો નોકરીઓ પર સંકટ
લંડનઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થતાં લંડન યુનિવર્સિટી ખાતે સેંકડો નોકરીઓ પર જોખમ સર્જાયું છે. યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને જણાવ્યું છે કે સાઉથ બેન્ક યુનિવર્સિટી ખાતે 297 નોકરી જોખમમાં મૂકાઇ છે. જેમાં એકેડેમિક સ્ટાફની 1082 નોકરીમાંથી 226 નોકરી સંકટમાં મૂકાઇ છે. યુનિવર્સિટીના વડાઓ નોકરીઓમાં પ્રસ્તાવિત કાપ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં ઘટાડાના કારણે થનારી 24 મિલિયન પાઉન્ડની ખોટને જવાબદાર ગણાવી રહ્યાં છે.
ઇંગ્લેન્ડની 40 ટકા યુનિવર્સિટીઓને ખોટ જવાની સંભાવના
આગામી કેટલાક વર્ષ સુધી ખર્ચમાં કાપ નહીં મૂકાય તો ઇંગ્લેન્ડની સંખ્યાબંધ યુનિવર્સિટી બંધ થઇ જવાની સંભાવના છે. હાયર એજ્યુકેશન રેગ્યુલેટર અને ઓફિસ ફોર સ્ટુડન્ટ્સના રિપોર્ટ અનુસાર આ સ્થિતિ માટે ઘરેલુ વિદ્યાર્થીઓ પાસેથી થતી આવકમાં ઘટાડાને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી પર વધુ પડતો આધાર જવાબદાર છે. આ વર્ષે ઇંગ્લેન્ડની 40 ટકા યુનિવર્સિટીઓને ખોટ જવાનો અંદાજ છે.