મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 2023ની 8 જાન્યુઆરીથી સાતમા પ્રવાસી ભારતીય દિવસ (PBD ) કન્વેન્શનનો આરંભ થઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાની સિદ્ધિઓ અને યોગદાનને ઉજવવા દર બે વર્ષે આ પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શનનું આયોજન કરાય છે. આ વર્ષે PBD કન્વેન્શનનું થીમ ‘ડાયસ્પોરાઃ રિલાયેબલ પાર્ટનર્સ ફોર ઈન્ડિયા‘સ પ્રોગ્રેસ ઈન અમૃતકાલ’ રાખવામાં આવેલ છે.
યુવા, વર્કફોર્સ, મહિલા અને ડાયસ્પોરા સંબંધિત પ્લીનરી સેશન્સ
ત્રણ દિવસ ચાલનારા કન્વેન્શનને પાંચ પ્લીનરી સેશન્સમાં વિભાજિત કરાયા છે અને તેમાં યજમાન રાજ્ય મધ્ય પ્રદેશને કેન્દ્રમાં રાખી ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સમાવિષ્ટ છે. નવી દિલ્હીમાં 2022ના ડિસેમ્બરના આખરી સપ્તાહમાં ICCR દ્વારા મલેશિયા અને ઈરાન સહિત વિવિધ દેશોના ભારતીય નૃત્ય અને સંગીતના વિદેશી કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેના પગલે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. ઈન્દોરમાં PBD કન્વેન્શનમાં આશરે 10 દેશના કળાકારો પરફોર્મ કરે તેવી ધારણા છે. 9 જાન્યુઆરીએ કન્વેન્શનના ત્રીજા પ્લીનરી સત્રના થીમ ‘લીવરેજિંગ ધ સોફ્ટ પાવર ઓફ ઈન્ડિયા- ગૂડવિલ થ્રૂ ક્રાફ્ટ, ક્યુસાઈન અન્ડ ક્રીએટિવિટી’ સાથે આ કાર્યક્રમ સુસંગત બની રહેશે.
અમૃત કાલ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે પ્રથમ દિવસના કાર્યક્રમોને ‘યુથ પ્રવાસી દિવસ’ જૂથમાં વર્ગીકૃત કરાયા છે અને પ્રથમ પ્લીનરી સત્રનો વિષય ‘રોલ ઓફ ડાયસ્પોરા યુથ ઈન ઈનોવેશન એન્ડ ન્યૂ ટેકનોલોજીસ’નો છે. ગત PBD કન્વેન્શનમાં ટેકનોલોજી સેક્ટરમાં પરાગ અગ્રવાલ અને અરવિંદ કૃષ્ણાના નામ (સત્ય નાડેલા અને ઈન્દ્રા નૂયીના જૂના નામની સાથે) ઉભરી આવ્યા હતા. વિશ્વભરમાં ભારતીય યુવા વર્ગ પાંચમા ક્રમના સૌથી મોટા વસ્તીજૂથની નામના ધરાવે છે ત્યારે ભારતીય યુવાઓ માટે ગ્લોબલ ટેકનોલોજી સેક્ટરની ગર્ભિત ક્ષમતા અને યોગદાનને વિચારવા સાથે આ કન્વેન્શનનો આરંભ કરાય તે સ્વાભાવિક છે.
‘યુથ પ્રવાસી દિવસ’ ચીન, અફઘાનિસ્તાન, યુક્રેન અને યુનાઈટેડ સ્ટેટ્સની યુનિવર્સિટીઓમાં નોંધાયેલા 50,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની યાતનાનું નિરાકરણ લાવી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. આ ભારતીય વિદ્યાર્થીઓ પહેલા મહામારી અને હવે યુક્રેન-રશિયા યુદ્ધના કારણે નાણાકીય, પ્રોફેશનલ અને શૈક્ષણિક દૃષ્ટિએ અચોક્કસ ભાવિનો સામનો કરી રહ્યા છે.
શારદા ગ્રૂપના CEO અમિત લાધને પ્રવાસી ભારતીય સમ્માન (ઓવરસીઝ ઈન્ડિયન સન્માન/એવોર્ડ)થી સન્માનિત કરવામાં આવશે. બિનનિવાસી ભારતીય અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાને તેમની પસરંદગીના ક્ષેત્ર / વ્યવસાયમાં અભૂતપૂર્વ યોગદાન બદલ અપાતો આ સર્વોચ્ચ ભારતીય એવોર્ડ છે. લાધ રાજસ્થાનના માન્ડેલાના વતની છે અને શારદા ગ્રૂપની બિઝનેસ કોર્પોરેટ ઓફિસ ભીલવારામાં આવી છે.
શારદા ગ્રૂપના CMD અનિલ માનસિંઘકાએ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓના બચાવ અને પોલેન્ડ થઈને સહીસલામત સ્વદેશ લાવવાના ભારત સરકારની પહેલ ‘ઓપરેશન ગંગા’માં શારદા ગ્રૂપના અમિત લાધની સક્રિય ભૂમિકા રહી હતી.
વિશ્વતખતા પર ભારતીય ડાયસ્પોરાની બોલબાલા
લંડનની આર્થિક વિકાસ એજન્સી ‘London & Partners’ના કન્ટ્રી ડાયરેક્ટર-ઈન્ડિયા અને ભારતમાં લંડનની મેયર ઓફિસના હેમિન ભરૂચા અનુસાર લંડન ભારતીયો માટે સૌથી મોટું બિઝનેસ ડેસ્ટિનેશન છે અને આ નામાવર્ષમાં નવી 18 ભારતીય કંપનીઓએ લંડનમાં વિસ્તરણનો નિર્ણય લીધો છે.
ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ પણ ફેબ્રુઆરીમાં ડેલિગેશન સાથે ભારતની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસી ભારતીય દિવસમાં પોતાની ભૂમિકા વિશે અગ્રવાલે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘ભારત અને સમગ્ર વિશ્વને દરિયાપારના ભારતીયોના યોગદાનને મજબૂત બનાવવા અને ઉજવણી કરવા માટે પ્રવાસી ભારતીય દિવસ શ્રેષ્ઠ માર્ગ છે. હું આ વર્ષે મારા જન્મ સ્થળ ઈન્દોરમાં હાજરી આપવાનો છું તેમાથી ભારે ઉત્સાહિત છું. યુકેમાં ભારતીય મૂળના 1.5 મિલિયનથી વધુ લોકો છે અને તેમાંથી ઘણાને હું ઈન્દોરમાં આગામી સપ્તાહે જોઈશ તેનો મને આનંદ છે.’
તાજેતરમાં યુકેના વડા પ્રધાન તરીકે રિશિ સુનાક ચૂંટાઈ આવ્યા તે ભારતીય ડાયસ્પોરા માટે સૌથી મોટી ઉજવણીનું કારણ બન્યું હતું. સુનાક પોતાની ઓળખ બ્રિટિશ તરીકે આપે છે ત્યારે તેઓ ખુદ કહે છે કે ભારત અને યુકે વચ્ચેના સંબંધો વેપારના સંબંધોથી પણ વિશેષ છે. યુકેનો ભારતીય ડાયસ્પોરા સુનાકના વડા પ્રધાનપદને બંને દેસોને લાભકારી મુક્ત વેપાર સમજૂતી (FTA)ના ઝડપી નિરાકરણના માર્ગ તરીકે નિહાળે છે.
યુકેમાં ભારતીય ડાયસ્પોરાનો સંઘર્ષ
ભારતીય ડાયસ્પોરાનું નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં અભૂતપૂર્વ યોગદાન રહેલું છે. હેલ્થ સર્વિસ મોટી સંખ્યામાં વેકેન્સીઝ, સરકાર ભંડોળની અછત સહિત ભારે કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતીય ડાયસ્પોરાના વર્કર્સ કટોકટીનો કેવી રીતે સામનો કરી રહ્યા હશે તેના પર ધ્યાન આપવું આવશ્યક છે. ભારતીય મૂળના 32,000થી વધુ વર્કર્સ NHS માં કામગીરી બજાવે છે. ભારતીય ડાયસ્પોરા કન્સ્ટ્રક્શન, રિઅલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી બિઝનેસમાં પણ કામ કરે છે. યુકેમાં સેકન્ડ જનરેશન ઈમિગ્રન્ટ્સનો પ્રસાર થયો છે ત્યારે ડાયસ્પોરાએ માત્ર બિઝને્સમાં મર્યાદિત રહેવું ન જોઈએ. ભારતીય મૂળના લોકો પોલિટિક્સ, મીડિયા, કળા, મનોરંજન, સાયન્સ અને મેડિસિનના ક્ષેત્રોમાં પણ દાયકાઓથી યોગદાન આપી રહ્યા છે. ચીન અને ફિલિપાઈન્સના એશિયન મૂળના અન્ય માઈગ્રન્ટ્સની સ્પર્ધા છતાં, ઈન્ડિયન ડાયસ્પોરા સૌથી વધુ 87 બિલિયન ડોલરનું રેમિટન્સ સ્વદેશ મોકલે છે.