લંડનઃ નાઇજલ ફરાજના નેતૃત્વ હેઠળની રિફોર્મ યુકે પાર્ટીએ સોમવારે ચૂંટણી ઢંઢેરો જારી કરતા તેને મતદારો સાથેના કોન્ટ્રાક્ટની ઉપમા આપી હતી. પાર્ટીએ નેટ ઝીરો ટાર્ગેટ નાબૂદ કરવા, સ્માર્ટ ઇમિગ્રેશન લાગુ કરવા અને ઝીરો ટોલરન્સ પોલિસીંગ સહિતની યોજનાઓ રજૂ કરી હતી. સાઉથ વેલ્સમાં ઢંઢેરો જાહેર કરતાં ફરાજે જણાવ્યું હતું કે, આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો ઇમિગ્રેશન બની રહેશે. ઇમિગ્રેશન માટે ચાર મુદ્દાની યોજના રજૂ કરતાં ફરાજે જણાવ્યું હતું કે, અમે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ સાથે છેડો ફાડીશું, યુકેમાં કોઇ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને સ્થાયી થવા દઇશું નહીં, નવા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની રચના કરીશું અને 100 દિવસમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતી માઇગ્રન્ટ્સની હોડીઓ અટકાવીશું. બ્રિટનની ઓળખ અને સંસ્કૃતિ બચાવવા માટે બિનજરૂરી એવા તમામ ઇમિગ્રેશન પર રોક લગાવીશું. જે ઇમિગ્રન્ટ અપરાધ કરશે તેની બ્રિટિશ નાગરિકતા છીનવી લેવાશે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર તેમના આશ્રિતોને લાવવા પર પ્રતિબંધ લદાશે. વિદેશી કામદારો માટે નેશનલ ઇન્શ્યુરન્સ વધારીને 20 ટકા કરાશે. આ સાથે રિફોર્મ યુકેએ ઇન્કમટેક્સ થ્રેશહોલ્ડ 12,571 પાઉન્ડથી વધારીને 20,000 પાઉન્ડ કરવાનું વચન આપ્યું છે જેના કારણે 6 મિલિયન લોકોને ઇન્કમટેક્સમાંથી મુક્તિ મળી જશે.
ફરાજના ઢંઢેરાના મુખ્ય મુદ્દા
- ઇન્કમટેક્સ થ્રેશહોલ્ડ 12,571 પાઉન્ડથી વધારીને 20,000 પાઉન્ડ કરાશે
- ઝીરો ટોલરન્સ પોલિસીંગ અપનાવાશે, ડ્રગ ડિલીંગ અને માનવ તસ્કરીમાં આજીવન કેદની જોગવાઇ કરાશે
- આગામી પાંચ વર્ષમાં 40,000 નવા પોલીસ અધિકારીઓની ભરતી કરાશે
- હેટ ક્રાઇમની વ્યાખ્યામાં સુધારો કરાશે
- ટેક્સ સિસ્ટમમાં સુધારો, કોર્પોરેશન ટેક્સ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરાશે
- લઘુ અને મધ્યમ ઉદ્યોગો પરનો બિઝનેસ રેટ નાબૂદ કરી મોટી કંપનીઓ પર 4 ટકા ઓનલાઇન ડિલિવરી ટેક્સ લદાશે અલયુ
- ફ્યુઅલ ડ્યુટી 20 પેન્સ પ્રતિ લિટર ઘટાડાશે, એનર્જી બિલ પરનો વેટ નાબૂદ કરાશે, 750,000 પાઉન્ડની સંપત્તિની ખરીદી પર 0 ટકા સ્ટેમ્પ ડ્યુટી
- બ્રિટનની ગુલામીનો ઇતિહાસ ભણાવાશે, બે વર્ષનો યુનિવર્સિટી અભ્યાસક્રમ કરાશે, હિંસક વિદ્યાર્થીઓને કાયમ માટે હાંકી કઢાશે
- પ્રતિ વર્ષ 30 બિલિયન પાઉન્ડ બચાવવા નેટ ઝીરો ટાર્ગેટ્સ નાબૂદ કરાશે
- એનએચએસ અને સોશિયલ કેર સ્ટાફને 3 વર્ષ માટે ઝીરો બેઝિક રેટ ટેક્સ ચૂકવવો પડશે
- તમામ પ્રકારની ખાનગી સારવાર પર 20 ટકા ટેક્સ રાહત
- 3 વર્ષમાં સંરક્ષણ ખર્ચ જીડીપીના 2.5 ટકા અને 6 વર્ષમાં 3 ટકા કરવા વચન
- રેન્ટર્સ રિફોર્મ બિલ નાબૂદ કરાશે