લંડનઃ ઇમિગ્રન્ટ્સ માટેના લાંબા અને ખર્ચાળ વિઝા રૂટને રેસિસ્ટ ગણાવવામાં આવ્યો છે. પોતે તેનો ભોગ બની રહ્યાં છે તેવુ માનનારા મોટાભાગના અરજકર્તાઓમાં અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયના લોકો છે. ઓછી આવક અથવા તો પ્રોફેશનલ લાયકાતો ન હોવાના કારણે અન્ય ઇમિગ્રેશન યોજનાઓનો લાભ ન લઇ શક્તાં હોવાથી લાખો લોકોને વિઝા માટે 10 યર રૂટનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. યુકેમાં સેટલ થવા માટેના અન્ય રૂટમાં પાંચ વર્ષનો સમય લાગી જતો હોય છે.
એક ચેરિટી દ્વારા હાંસલ કરાયેલા આંકડા પ્રમાણે 2,18,110 લોકો હાલ 10 યર રૂટ દ્વારા વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હોમ ઓફિસના આંકડા પ્રમાણે મુખ્યત્વે વંશીય લઘુમતી સમુદાયોના લોકોને વિઝા માટે આ રૂટ લેવાની ફરજ પડે છે. જેમાં ટોચના પાંચ લોકોમાં નાઇજિરિયા, પાકિસ્તાન, ભારત, ઘાના અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ થાય છે. આ રૂટનો ઉપયોગ કરતા લોકોમાં 86 ટકા એશિયન અને આફ્રિકન જ્યારે ફક્ત 6 ટકા યુરોપના નાગરિકોનો સમાવેશ થાય છે.
10 યર રૂટ દ્વારા વિઝા મેળવવા માગતા લોકોએ યુકેમાં રહેવા માટેની પરવાનગી દર 30 મહિને હોમ ઓફિસમાં રિન્યૂ કરાવવી પડે છે. દરેક વખતે તેમને 3850 પાઉન્ડ ફી પેટે ખર્ચવા પડે છે. હોમ ઓફિસ આ ફીમાંથી મુક્તિ આપી શકે છે પરંતુ ઘણીવાર કરાયેલી વિનંતીઓને હોમ ઓફિસ દ્વારા નકારી કાઢવામાં આવી છે.