લંડનઃ છેલ્લા એક સપ્તાહમાં પાડેલા દરોડામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ 78 શંકાસ્પદ ગેરકાયદેસર કામદારોની ધરપકડ કરી હતી. ગયા સપ્તાહમાં અધિકારીઓએ કાર વોશ સહિતના 225 બિઝનેસ પર દરાડો પાડ્યા હતા. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર કામદારોને નોકરી આપનારા 122 બિઝનેસને સિવિલ પેનલ્ટી કરાઇ છે.
હોમ સેક્રેટરી કુપરે જણાવ્યું હતું કે, યુકેમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને જીવના જોખમે લાવનારી સમ્ગલિંગ ગેંગો તેમને ગેરકાયદે રોજગારમાં ધકેલે છે અને તેમની સાથે આ પ્રકારના બિઝનેસની મિલિભગત છે તેમ કહેવું ખોટું ગણાશે. આ પ્રકારના કામદારોને કેવી રીતે કામ મેળવવું અને તે અંગે કેવા જુઠ્ઠાણા ચલાવવા તે સ્મગલિંગ ગેંગો દ્વારા શીખવવામાં આવતું હોય છે. અમે આ અટકાવવા માગીએ છીએ અને તેથી જ દરોડાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા ગેરકાયદેસર કામદારોને અત્યંત બદતર સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા અને તેમને લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વેતન ચૂકવવામાં આવતું હતું. તેમને નોકરી આપનારા બિઝનેસો ચૂકવવાપાત્ર ટેક્સ પણ ચૂકવતા નહોતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર કામદારોને રાખનાર બિઝનેસને પ્રથમ અપરાધ માટે પ્રતિ કામદાર 45,000 પાઉન્ડ અને ત્યારપછીના અપરાધો માટે 60,000 પાઉન્ડ પ્રતિ કામદારની પેનલ્ટી કરાય છે.
ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના ડિરેક્ટર એડી મોન્ટગોમરીએ જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં કરાયેલી કાર્યવાહી દર્શાવે છે કે હોમ ઓફિસ નબળા લોકોને બચાવવા અને બિઝનેસોને જવાબદાર ઠેરવવા માટે કેટલી પ્રતિબદ્ધ છે. અમે ક્રિમિનલ ગેંગો દ્વારા થતા શોષણને અટકાવવા પ્રતિબદ્ધ છીએ. કાયદાનું ઉલ્લંઘન કરનારાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.