લંડનઃ પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરે અગાઉ નિષ્ફળ રહેલી તેમની સરકારની ડિજિટલ આઇડીની નીતિ ફરી શરૂ કરવા માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન, હેલ્થ અને ટેક્સ જેવા પડકારોનો સામનો કરવા ડિજિટલ આઇડી જરૂરી બની જાય છે.
એક અખબારી લેખમાં બ્લેરે જણાવ્યું હતું કે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય એ શીખવે છે કે જે રાજકીય નેતા વચન આપીને તેનું પાલન નથી કરતો તે સત્તા ગુમાવી દે છે. યુકે અને અન્ય દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ આઇડી મુદ્દે ભવિષ્ય માટે રૂઢિચુસ્ત વલણ અપનાવવું જોઇએ. આપણી હાલની સિસ્ટમ કામ કરી રહી નથી. તેમાં ધરમૂળથી બદલાવની જરૂર છે. ડિજિટલ આઇડી એક સારી શરૂઆત ગણાશે.
50 ટકાથી વધુ જનતા ડિજિટલ આઇડીની તરફેણમાં
લંડનઃ ટોની બ્લેર દ્વારા ડિજિટલ આઇડી કાર્ડની માગને પુનર્જિવિત કરાયા બાદ હાથ ધરાયેલા એક સરવે અનુસાર અડધાથી વધુ બ્રિટિશર ડિજિટલ આઇડીની તરફેણ કરી રહ્યાં છે. ધ ટાઇન્સ ક્રાઇમ એન્ડ જસ્ટિસ કમિશનના સરવેમાં જાણવા મળ્યું હતું કે, 53 ટકા લોકો યુનિવર્સલ ડિજિટલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની તરફેણ કરી રહ્યાં છે. 25 ટકાએ તો ડિજિટલ આઇડીની જોરદાર તરફેણ કરી હતી. ફક્ત 19 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.