લંડનઃ લેબર સરકાર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવા, બેનિફિટ્સ અને હેલ્થકેરની સુવિધા માટે આઇડી કાર્ડ ફરજિયાત કરે તેવા સંકેત મળી રહ્યાં છે. વરિષ્ઠ લેબર સાંસદ ડેમ સાયોભાઇન મેકડોનાઘે દેશમાં અમલી બની રહેલા આઇડી કાર્ડ (ઓળખપત્ર)ને ટેકો આપતાં જણાવ્યું છે કે લોકો જાહેર સેવાઓના લાભ માટે તેમની ઓળખ પૂરવાર કરી શકે તે માટેનો આ સૌથી સરળ અને સસ્તો વિકલ્પ છે. પહેલાં પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર પણ યુકેમાં આઇડી કાર્ડ અમલી બનાવવાની હિમાયત કરી ચૂક્યાં છે.
તાજેતરમાં જ પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે ઇમિગ્રેશનને નિયંત્રણમાં લેવા માટેની યોજનાની જરૂર છે. જો આપણી પાસે નિયમો જ નહીં હોય તો આપણે તેને નિયંત્રિત કરી શકીશું નહીં. હું વડાપ્રધાન હતો ત્યારે દ્રઢપણે માનતો હતો કે ઓળખપત્રની સિસ્ટમ જ આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ છે. તેના દ્વારા આપણે નક્કી કરી શકીશું કે કોણ યુકેમાં સત્તાવાર રીતે વસવાટ કરી શકે. આજે વિશ્વ ડિજિટલ આઇટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે પણ ટેકનોલોજી સાથે આગળ વધવું જોઇએ. તેના દ્વારા આપણે અસરકારક રીતે બોર્ડર કન્ટ્રોલ કરી શકીશું.
બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનને નિયંત્રણમાં રાખવા માટે લેબર સરકાર તમામ પ્રકારની સલાહ પર કામ કરી રહી છે. અમે આઇડી કાર્ડની સલાહ પર પણ વિચારણા કરી રહ્યાં છીએ. જોકે હોમ સેક્રેટરી આઇડી કાર્ડ અંગેના સરકારના પગલા પર પીછેહઠ કરતા જણાવે છે કે આ બાબત અમારા મેનિફેસ્ટોમાં નહોતી. જોકે ડેમ સાયોભાઇન કહે છે કે સરકાર આ દિશામાં આગળ વધશે.