લંડનઃ યુકેના વિવિધ પ્રકારના વિઝા માટે માઇગ્રન્ટ્સ દ્વારા કરાતી અરજીઓમાં છેલ્લા એક વર્ષમાં 37 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ 2025 સુધીના એક વર્ષમાં તમામ વિઝા કેટેગરીમાં 7,72,200 અરજીઓ પ્રાપ્ત થઇ હતી જે અગાઉની 1.24 મિલિયન અરજીઓમાં 37 ટકાનો ઘટાડો દર્શાવે છે.
2024ના પ્રારંભે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા વિઝા નિયમોમાં બદલાવ કરાયા બાદ વિઝા અરજીઓમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. કેર વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર પરિવારજનને યુકેમાં લાવવા પર રોક, સ્કીલ્ડ વર્કર્સ માટે વેતન મર્યાદા 38,700 પાઉન્ડ કરાયા બાદ વિઝા અરજીઓ ઘટી રહી છે.
યુકે સરકાર દ્વારા વિદેશી નાગરિકોને સ્કીલ્ડ વર્કર, હેલ્થ એન્ડ કેર વર્કર, સ્ટડી, ફેમિલી, સીઝનલ વર્કર અને યૂથ મોબિલિટી સ્કીમ જેવી કેટેગરીમાં વિઝા જારી કરાય છે.
સૌથી મોટો 78 ટકાનો ઘટાડો ફોરેન હેલ્થ વર્કર્સ અને તેમના આશ્રિતો દ્વારા કરાતી અરજીઓમાં નોંધાયો છે. 2023-24ની 3,59,300 અરજીની સામે 2024-25માં ફક્ત 80,700 અરજી પ્રાપ્ત થઇ હતી. સ્પોન્સર્ડ સ્ટડી વિઝા પર આવનારા પરિવારજનો દ્વારા થતી વિઝા અરજીઓમાં પણ 83 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો.
સ્કીલ્ડ વર્કર વિઝાની અરજીઓમાં દર વર્ષે 16 ટકાનો ઘટાડો થઇ રહ્યો છે. તેમના આશ્રિતો દ્વારા કરાતી અરજીઓમાં પણ 13 ટકા સુધીનો ઘટાડો થયો છે.