લંડનઃ યુકેમાં ઇસ્લામોફોબિયા કાઉન્સિલની રચનાના પ્રસ્તાવોનો હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારના પ્રયાસ સામે વાંધો ઉઠાવતા હિન્દુ સંગઠનોએ માગ કરી છે કે આ પ્રકારની કાઉન્સિલની રચના ફક્ત ઇસ્લામોફોબિયા માટે નહીં પરંતુ તમામ ધર્મો સામેની નફરત અટકાવવા માટે કરવી જોઇએ.
ડેપ્યુટી વડા પ્રધાન એન્જેલા રેયનર મુસ્લિમ વિરોધી ભેદભાવ માટે સત્તાવાર સરકારી વ્યાખ્યા તૈયાર કરવા અને આ માટે સરકારને સલાહ આપવા 16 સભ્યોની કાઉન્સિલની રચના કરવાની તૈયારી કરી રહ્યાં છે. બ્રિટિશ હિન્દુ સંગઠનોએ ભય વ્યક્ત કર્યો છે કે ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા ઇસ્લામની કાયદેસરની ટીકાને દબાવશે, ઇશનિંદા કાયદાઓ માટે પ્રોત્સાહન આપશે અને વાણી સ્વાતંત્ર્ય પર પ્રહાર થશે.
પૂર્વ ટોરી એટર્ની જનરલ ડોમિનિક ગ્રીવે વર્ષ 2018માં બ્રિટિશ મુસ્લિમોની એપીપીજીના રિપોર્ટ પર ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા કરવાની ભલામણ કરી હતી જેને લેબર પાર્ટીએ સ્વીકારીને હવે નવી એડવાઇઝરી કાઉન્સિલ રચવાની યોજના બનાવી રહી છે.
બ્રિટિશ હિન્દુ ડાયસ્પોરા ગ્રુપ ઇનસાઇટ યુકેએ કાઉન્સિલમાં તમામ ધર્મોને પ્રતિનિધિત્વ આપવાની માગ કરી છે અને તેને રિલિજિયસ હેટ ક્રાઇમ પ્રિવેન્શન કાઉન્સિલ નામ આપવા અપીલ કરી છે. આ કાઉન્સિલને વધી રહેલા હિન્દુ અને શીખ વિરોધી હેટ ક્રાઇમ સહિતની તમામ પ્રકારની ધાર્મિક નફરત અટકાવવા કામ કરે તેવી માગ કરવામાં આવી છે.
હિન્દુ કાઉન્સિલ યુકેના ડિરેક્ટર દિપેન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ફક્ત એક ધાર્મિક સમુદાયને સંરક્ષણ આપવાનો સિલેક્ટિવ અભિગમ હિન્દુ અને અન્ય ધાર્મિક સમુદાયોએ સહન કરેલા ઐતિહાસિક અન્યાયો, ધમકીઓ અને ભેદભાવની અવગણના કરે છે. હિન્દુ કાઉન્સિલ યુકેએ હિન્દુઓ વિરુદ્ધની નફરતને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકે તે માટે હિન્દુમિસિયા શબ્દને માન્યતા આપવા માગ કરી છે.
રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હિન્દુત્વ શબ્દ હિન્દુ ધર્મના હાર્દ સાથે સંકળાયેલો છે પરંતુ તેનું ખોટું અર્થઘટન કરીને હિન્દુ કટ્ટરવાદ સાથે સાંકળવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ સમગ્ર હિન્દુ ઓળખને બદનામ કરવા માટે થાય છે તે વિચલિત કરનાર છે.
તેમણે વાણી સ્વતંત્રતા નબળી પડશે તેવો ભય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા અમલી બનાવવાથી ભયાનક ચીલો પડશે અને ઇશનિંદાના કાયદાઓ માટેનો માર્ગ મોકળો બનશે. તેના કારણે ધર્મ, વિચારધારા અને નીતિ પરની માન્ય ચર્ચાઓ પર પરદો પડી જશે.