લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીમાં વિક્રમજનક વધારો નોંધાયો છે જોકે, ગત એક દાયકામાં તેની વય પણ વધી ગઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા 28 જૂને Census 2021 માટે તેનો પ્રથમ ડેટા જાહેર કર્યો હતો. જ્યારે ઘેરઘેરથી ડેટા મેળવાઈ રહ્યો હતો ત્યારે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા સેન્સસમાં ભાગ લેવા એશિયન કોમ્યુનિટીના સભ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા ONS ની સાથે કેમ્પેઈન્સ ચલાવાયા હતા મંગળવારે પ્રેસમાં જઈ રહ્યા છીએ ત્યારે આગામી બે વર્ષમાં તબક્કાવાર પ્રસિદ્ધ કરાનારા નવા ડેટા અનુસાર 10 વર્ષના ગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીમાં 3.5 મિલિયનથી વધુના (6.3 ટકા) ઉમેરો થયો છે એટલે કે વસ્તી 56.1 મિલિયનથી વધી 59.6 મિલિયન થઈ છે. વસ્તીમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ઊંચું રહ્યું છે.
વસ્તીની વય પણ વધી છે
જાહેર કરાયેલો પ્રથમ ડેટા દર્શાવે છે કે વસ્તીની વય પણ વધી રહી છે. 18.6 ટકા લોકોએ 65 વર્ષ અને તેથી વધુની વય વટાવી છે, એક દાયકા અગાઉ આ ટકાવારી 16.4ની હતી. ઈંગલેન્ડ (18.4 ટકા)ની સરખામણીએ વેલ્સમાં 65 વર્ષ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા 21.3 ટકાની છે.
જોકે, ઈંગ્લેન્ડ અને વેલ્સની સમગ્ર વસ્તીમાં મહિલાની સંખ્યા 51 ટકા ( 30,420,100 સ્ત્રીઓ) અને પુરુષોનું પ્રમાણ 49 ટકા (29,177,200 પુરુષ) રહ્યું છે. 2011ની વસ્તીગણતરીમાં સ્ત્રી અને પુરુષની સંખ્યા અનુક્રમે 50.8 ટકા અને 49.2 ટકા હતી.
ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોની સરખામણીએ લંડનમાં 15થી 64 વયજૂથના લોકોની સૌથી વધુ ટકાવારી (70 ટકા) રહી છે. 15 વર્ષથી ઓછી વયના લોકોની સૌથી વધુ સંખ્યા ધરાવતી સ્થાનિક ઓથોરિટીઝમાં બાર્કિંગ એન્ડ ડાગેનહામ (24.5 ટકા), સ્લાઉ (23.5 ટકા) અને લૂટન (21.9 ટકા) મુખ્ય હતી. આ ત્રણે વિસ્તારોમાં મોટા પ્રમાણમાં એશિયન વસ્તી છે.
ગીચ વસ્તી ધરાવતી લોકલ ઓથોરિટીઝ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતી 20 લોકલ ઓથોરિટીઝમાં તમામ લંડન બરોઝનો સમાવેશ થાય છે જેમાં પ્રથમ ત્રણ ક્રમે ટાવર હેમલેટ્સ (15,695 રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટર), ઈઝલિંગ્ટન (14,578 રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટર) અને હેકની (13,611 રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટર) આવે છે. વેલ્સમાં 2,572 રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટરના પ્રમાણ સાથે કાર્ડિફ સૌથી ગીચ વસ્તી ધરાવે છે.
સૌથી ઓછી વસ્તી ધરાવતી લોકલ ઓથોરિટીઝમાં એડન (નોર્થવેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ) અને પોવિસ (વેલ્સ) આવે છે. આ બંનેમાં સરેરાશ 26રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટરનું પ્રમાણ છે. ઓછી વસ્તી ધરાવતી અન્ય સ્થાનિક ઓથોરિટીઝમાં રાયેડેલ (36રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટર) અને રિચમોન્ડશાયર (38 રહેવાસી પ્રતિ ચોરસ કિ.મીટર) છે.
સેન્સસ ડેએ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 24,782,800 પરિવાર-ઘર હતા. 2011માં હાઉસહોલ્ડની સંખ્યા 23,366,044 હતી તે પછી તેમાં 1.4 મિલિયન કરતાં વધુનો વધારો થયો છે.