લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આ વર્ષના બીજા ક્વાર્ટરમાં સ્વૈચ્છિક દેવાળા કે નાદારી માટે ફાઈલિંગ કરતી કંપનીઓની સંખ્યા વધી છે. કોવિડ-19 મહામારીના ગાળામાં બિઝનેસીસને જે પ્રકારનો સરકારી સપોર્ટ કે સહાય મળતા હતા તે ન હોવાના કારણે બિઝનેસીસ ભારે સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ માટે મંદીનું જોખમ અને ઊંચો ફૂગાવો ભારે ચિંતાનું કારણ બન્યા છે.
ગત વર્ષના એપ્રિલ-જૂના ગાળાની સરખામણીએ કંપનીઓની કુલ નાદારીની સંખ્યામાં 81 ટકાનો વધારો થયો છે. આમાંથી મોટા ભાગની સંખ્યા ક્રેડિટર્સ વોલન્ટરી લિક્વિડેશન્સ (CVLs)ની છે, જે 1960માં રેકોર્ડ્સ રખાતા થયા પછી સૌથી વધુ છે તેમ સરકારની ઈન્સોલ્વન્સી સર્વિસે જણાવ્યું છે. જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટર કરતાં પણ કુલ કંપની નાદારીની સંખ્યામાં બીજા ક્વાર્રમાં 13 ટકાનો વધારો જોવાયો છે અને આ વર્ષના પાછલા ભાગમાં એનર્જી પ્રાઈસમાં જોરદાર વધારો થશે ત્યારે પણ નાદારીની સંખ્યા હજુ વધશે. વર્ષના બીજા ક્વાર્ટરમાં ફરજિયાત નાદારી કે દેવાળામાં જતી કંપનીઓની સંખ્યામાં 9 ટકાનો વધારો થયો છે. જે અગાઉના વર્ષ કરતાં લગભગ ચાર ગણી વધુ છે પરંતુ, મહામારી અગાઉના વર્ષોની સરખામણીએ ઓછી છે.