લંડનઃ ચીનના પ્રોપર્ટી ટાયકુન ચેઉંગ ચુંગ કિઉ હાઇડ પાર્ક તરફ ફેસિંગવાળી ૪૫ રૂમની હવેલી ૨૦ કરોડ પાઉન્ડ (ભારતીય ચલણમાં આશરે ૧.૮૫ હજાર કરોડ રૂપિયા)માં ખરીદવા સહમત થઇ ગયા છે. સોદો પાર પડ્યા બાદ આ મકાન ઇંગ્લેન્ડનું અત્યાર સુધીનું સૌથી મોંઘું મકાન હશે. સાત માળની આ હવેલી ઇ.સ. ૧૮૩૦માં બની છે, તેમાં ૪૫ રૂમ ઉપરાંત ૨૦ બેડરૂમ, એક સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ હેલ્થ સ્પા, જિમ, લિફ્ટ તેમજ અનેક કારો માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. આ મકાન લંડનના કેન્સિંગ્ન ગાર્ડનની દક્ષિણે આવેલું છે. તેની ૬૮ બારીઓમાંથી પાર્કનો નજારો જોવા મળે છે. તેનું ઇન્ટિરિયર ફ્રાન્સના મશહૂર ડિઝાઇનર આલ્બર્ટ પિન્ટોએ કર્યું છે. તેના પૂર્વ માલિક, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સુલતાન અબ્દુલ અઝીઝનું ૨૦૧૧માં મૃત્યુ થયું છે. બિલિયોનેર બિઝનેસમેન અને બે વખત લેબેનોનના વડા પ્રધાન રહી ચૂકેલા રફીક હરીર પણ એક સમયે આ મકાનના માલિક રહી ચૂક્યા છે.