લંડનઃ ઈંગ્લેન્ડમાં આહારની અનિયમિતતાની તકલીફથી પીડાતા પુખ્ત વયના દર્દીઓને મેન્ટલ હેલ્થની સારવાર માટે ૨૦થી ૧૮૨ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાનું નેશનલ હેલ્થ સર્વિસીસના અહેવાલમાં જણાયું છે. બીબીસી બ્રેકફાસ્ટે ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન દ્વારા આ માહિતી મેળવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા જણાવાયું હતું કે ૨૦૨૦ સુધીમાં અરજન્ટ કેસોમાં એક સપ્તાહમાં અથવા અન્ય કેસોમાં ચાર સપ્તાહમાં કુલ દર્દીઓમાંથી ૯૫ ટકા દર્દીને સારવાર પૂરી પાડવાનું લક્ષ્ય છે.
મેન્ટલ હેલ્થ સર્વિસીસમાં વધુ રોકાણનો અનુરોધ કરતાં ચેરિટી ‘બીટ’ દ્વારા જણાવાયું હતું કે આહારની અનિયમિતતાના દર્દીઓને વહેલી સારવાર મળે તે ખૂબ જરૂરી છે. ૫૫ ટ્રસ્ટમાંથી ૪૧ ટ્રસ્ટની મળેલી માહિતી મુજબ ૨૦૧૨થી અત્યાર સુધીમાં ૧૫૭૬ લોકોએ સ્પેશિયાલિસ્ટની એપોઈન્ટમેન્ટ મેળવવા માટે ૧૮ અઠવાડિયાની પ્રતીક્ષા કરી હતી. ૭૪૨ લોકોએ ૨૬ સપ્તાહ, જ્યારે ૯૯ લોકોને એક વર્ષ સુધી રાહ જોવી પડી હતી. પાંચ મેન્ટલ હેલ્થ ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારના દર્દીઓને કોઈ પણ પ્રકારની સેવા પૂરી પાડતા નથી.
છેલ્લાં ચાર વર્ષમાં કેટલાંક વિસ્તારોમાં આઉટપેશન્ટ ટ્રીટમેન્ટ માટે પ્રતીક્ષાના સમયમાં ૧૨૦ ટકાનો વધારો થયો છે. માન્ચેસ્ટરમાં સરેરાશ ૧૮૨ દિવસ, કેન્ટ અને મેડ વેમાં સરેરાશ ૧૧૬ દિવસ સુધી લોકોએ સારવાર માટે રાહ જોવી પડી હતી. જોકે, ડોર્સેટ, ડુડલે અને નોર્થ-ઈસ્ટ લંડનમાં આ સમયગાળો સરેરાશ માત્ર ૨૦ દિવસનો જ છે.