લંડનઃ ઈબુપ્રોફેન સહિતની પેઈનકિલર્સ લાંબો સમય લેવામાં આવે તો હાર્ટને રોગના જોખમમાં ૨૦ ટકાનો વધારો થતો હોવાનું BMJ Open જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે. આ સંશોધનમાં ૧૦ મિલિયન દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં લાખો લોકો હૃદયના રોગોથી પીડાય છે.
નોન-સ્ટેરોઈડલ એન્ટિ ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ (NSAIDs) તરીકે ઓળખાતા પેઈનકિલર્સના લાંબા સમય સુધી ઉપયોગથી શરીરમાં કેમિકલ રીએક્શન્સ થાયછે, જેનાથી હાર્ટ પર વધારાનું દબાણ સર્જાય છે અને તેના સ્નાયુઓ શરીરમાં લોહીને ધક્કો મારવામાં નબળા પડે છે.
પેઈનકિલર્સ નહિ લેનારાની સરખામણીએ જે લોકો એક વર્ષ અથવા તેથી વધુ સમય સુધી NSAIDsનું સેવન કરે છે તેમના માટે હૃદય નિષ્ફળ જવાનું જોખમ બમણું થઈ જાય છે. અભ્યાસના તારણો જણાવે છે છે કે નિયમિત ઈબુપ્રોફેન લેનારાઓમાં હાર્ટફેઈલ્યોરનું જોખમ ૧૮ ટકા, આર્થ્રાઈટીસ માટે વપરાતી ડાઈક્લોફેનેક લેનારામાં ૧૯ ટકા અને જૂજ વપરાતી કેટેરોલોકથી ૮૩ ટકા જેટલું વધી જાય છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર પીટર વેઈસબર્ગે કહ્યું હતું કે, વૃદ્ધ લોકો આર્થ્રાઈટીસ અને સ્નાયુની પીડા માટે આ પિલ્સનો ઉપયોગ વધુ કરે છે. જે લોકોને અગાઉ હાર્ટ એટેક આવેલા હોય તેમના માટે જોખમ વધી જાય છે. તેઓમાં હાર્ટ અને સાંધાઓની સમસ્યા એકસાથે હોવાથી તેમને NSAIDs પ્રીસ્ક્રાઈબ કરવામાં તબીબોએ કાળજી રાખવી જોઈએ.