લંડનઃ ક્વીનના સંબોધન પરની ચર્ચામાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સંકેત આપ્યો હોવાં છતાં, ચાન્સેલર રિશિ સુનાકે જીવનનિર્વાહની કટોકટીમાં સપડાયેલા લાખો લોકોને મદદ કરવા ઈમર્જન્સી બજેટ રજૂ કરવાની શક્યતાને નકારી કાઢી છે. બ્રિટિશરોની સામે ફૂગાવાનો વિકરાળ વાઘ ખડો છે ત્યારે વડા પ્રધાન આર્થિક અપરાધીઓ અને લેવલિંગ અપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
બોરિસ જ્હોન્સનની સરકારે ક્વીનના સંબોધનની સાથે વૈધાનિક કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 96 વર્ષીય ક્વીનને ‘હલનચલનની સમસ્યાઓના કારણે ઉપસ્થિત ન રહેવાથી પ્રિન્સ ચાર્લ્સે તેમના વતી સંબોધન વાંચ્યું હતું. નવા પબ્લિક ઓર્ડર -જાહેર વ્યવસ્થા બિલમાં વિરોધ પ્રદર્શનકારી જૂથો દ્વારા વિક્ષેપજનક કાર્યવાહીને પહોંચી વળવા પોલીસને ટૂંક સમયમાં સત્તા આપવામાં આવશે. જાન્યુઆરીમાં કડક પગલાં લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, સંસદમાં અવરોધના કારણે તે શક્ય બન્યું ન હતું. સરકારના કાર્યક્રમમાં લેવલિંગ અપ અભિયાન તેમજ બ્રેક્ઝિટનો લાભ લેવા ઈયુના પુરાણા કાયદાઓની તાપણીનો સમાવેશ પણ કરાયો છે.
બ્રિટિશ પરિવારો માટે કશું કરી ન રહ્યા હોવાનો આક્ષેપ ધરાવતા વડા પ્રધાને નવા વૈધાનિક એજન્ડાનો બચાવ કરતા કહ્યું હતું કે તેઓ અને ચાન્સેલર આગામી દિવસોમાં જીવનનિર્વાહ કટોકટીનો રસ્તો કાઢવાના મુદ્દે વધુ જણાવશે. જોકે, આ ટિપ્પણીથી આશ્ચર્યચકિત ટ્રેઝરીએ સ્પષ્ટ કર્યું હતું કે ઓક્ટોબરમાં એનર્જી બિલ્સ ક્યાં સુધી પહોંચશે તે જ હજુ સ્પષ્ટ નથી. આ સાથે તેમણે ઈમર્જન્સી બજેટના વિચાર પર ઠંડુ પાણી રેડ્યું હતું.