લંડનઃ ઇમિગ્રેશન એડવાઇઝ સ્કેમમાં દોષિત ઠર્યા બાદ બ્રિટનમાંથી દુબઇ ફરાર થઇ ગયેલા આરોપી બાબર અલી જમાલને બ્રિટન પરત ફર્યા બાદ જેલભેગો કરી દેવાયો છે. ડીડીઆર લિગલ સર્વિસિઝ ખાતે ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા બાબર અલી જમાલને અન્ય બે આરોપીઓ સાથે કોઇપણ પ્રકારની લાયકાત વિના ઇમિગ્રેશન એડવાઇઝ અને સેવાઓ આપવા માટે એપ્રિલ 2020માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
OISCદ્વારા બે વર્ષ લાંબી તપાસ બાદ આરોપ મૂકાયો હતો કે આરોપીઓએ લાયકાત વિના જ ઇમિગ્રેશન સલાહ અને સેવાઓ પેટે 2.5 મિલિયન પાઉન્ડ વસૂલ્યા હતા. તેમાંના બે આરોપીને ઓલ્ડ બેઇલી ખાતે ગયા વર્ષે દોષી ઠેરવી 17000 પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. બાબર અલી જમાલને કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ અપાઇ હોવા છતાં તે દેશ છોડીને નાસી ગયો હતો. તેની ગેરહાજરીમાં કોર્ટ તેને 10000 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. જૂન 2022માં બ્રિટન પરત આવ્યા બાદ જમાલ સત્તાવાળાઓને શરણે થયો હતો.
જાન્યુઆરી 2021માં આ કેસનો ચુકાદો આપતી વખતે જજ મનરો QCએ જણાવ્યું હતું કે, ફરિયાદીઓને મોટું નુકસાન થયું છે. એક પીડિતને હંમેશ માટે બ્રિટન છોડવું પડ્યું જ્યારે બીજા પીડિતને અરજી નકારાતા 7000 પાઉન્ડનો ખર્ચ કરવો પડ્યો હતો. અન્ય ફરિયાદીઓને અરજી કરવા માટે શાંઘાઇ અથવા તો બેંગકોક જવાની ફરજ પડી હતી અને તેમની અરજીઓ નકારાવાનું મોટું જોખમ હતું. બ્રિટનમાં કામ કરવા આવેલ એક યુગલને દસ્તાવેજો ન હોવાના કારણ બે વર્ષ સુધી બ્રિટન છોડી શક્યું ન હતું.