લંડનઃ ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ ઓર્ગેનાઈઝેશન ETS દ્વારા લેવાતી ઈંગ્લિશ ભાષાની ટેસ્ટમાં છેતરપિંડી આચરવાના દાવાઓના આધારે હોમ ઓફિસ દ્વારા હજારો લોકોને દેશની બહાર તગેડી દેવાયા છે. આવા લોકોની હકાલપટ્ટી માટે ઉપયોગમાં લેવાયેલા પુરાવાઓ સંદર્ભે બીબીસીની તપાસથી નવી શંકા ઉભી થઈ છે. ETSના વર્તન અને તેના ડેટામાં પણ ખામી જણાયેલી છે.
ETS દ્વારા તેમની પરીક્ષામાં ગેરરીતિ કે છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ પછી ૨,૫૦૦થી વધુ લોકોને દેશનિકાલ કરાયા છે તેમજ ઓછામાં ઓછાં ૭,૨૦૦ લોકોને બ્રિટન છોડવાની ફરજ પડાઈ છે. કેટલાક લોકો પોતાને નિર્દોષ સાબિત કરાવવા યુકેમાં રહી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. બીબીસી પેનોરેમાના ૨૦૧૪ના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું હતું કે લંડનના બે ટેસ્ટ સેન્ટર્સમાં ગેરરીતિપૂર્ણ પરીક્ષા થઈ રહી છે જેથી લોકો ખોટી રીતે પાસ થઈને પણ વિઝા માટે અરજી કરી શકે.
આ ઘટસ્ફોટ થયા પછી સરકારે ૧૦૦થી વધુ પરીક્ષાકેન્દ્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા છેતરપીંડીના પ્રમાણનું મૂલ્યાંકન કરવા ETSને જણાવ્યું હતું. ETS દ્વારા મોટા પાયે છેતરપીંડી કરનારાની યાદી આપી હતી. યાદીમાં ખોટો આરોપ લગાયેલા નિર્દોષ લોકો પણ સામેલ હોવાની સાબિતી છતાં, હોમ ઓફિસે ETS ના પુરાવા માન્ય રાખ્યા હતા.
બીબીસી ન્યૂઝનાઈટ દ્વારા વધુ પુરાવા જાહેર કરાયા છે જેનાથી પ્રશ્ન થાય છે કે પેનોરેમા દ્વારા પર્દાફાશ કરાયો તેના બે વર્ષ પહેલાથી આવી છેતરપીંડી થતી હોવાં છતાં શા માટે ETS ને તપાસ સોંપવામાં આવી હતી. ETS ના પૂર્વ અને વર્તમાન સ્ટાફ દ્વારા હોમ ઓફિસને ઘણા સમયથી ગેરરીતિ ચાલતી હોવાની જાણ કરાઈ હતી પરંતુ, ટેસ્ટ ફીની આવક ઘટી જવાના ભયે કોઈ પગલાં લેવાયા ન હતા.