લંડનઃ દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષકના હાથે અભ્યાસ કરવા મળે તેવી સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વિશ્વના કોઈ પણ દેશના ક્વોલિફાઈડ શિક્ષકો ઈંગ્લેન્ડની શાળાઓમાં શિક્ષણકાર્ય કરાવે તેવા હેતુસર આગામી વર્ષથી નિયમો હળવાં કરવામાં આવનાર છે. આ માટે સમકક્ષ લાયકાત અને વર્ગખંડના અભ્યાસનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ આવશ્યક ગણાશે. ભારતીય શિક્ષકો માટે પણ આ સારા સમાચાર છે કારણકે અત્યાર સુધી અન્ય દેશોના શિક્ષકોએ ઈંગ્લેન્ડમાં ફરીથી ફરજિયાત તાલીમ લેવી પડતી હતી.
આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય શિક્ષકો ઈંગ્લેન્ડમાં ક્વોલિફાઈડ ટીચર સ્ટેટસ માટે અરજી કરી શકશે અને જો સરકાર તેમના ક્વોલિફિકેશન્સને યુકેના શિક્ષકોની સમકક્ષ ગણશે તો તેઓ શાળામાં નોકરી માટે અરજી કરી શકશે. જો તેમની અરજી સફળ થશે તો શાળાઓ તેમના સ્કિલ્ડ વર્કર વિઝા માટે સ્પોન્સર કરશે.
વિદેશથી આવનારા શિક્ષકોએ યુનિવર્સિટી ડીગ્રી ધરાવવા ઉપરાંત, ઈંગ્લિશ ભાષાની કુશળતા અને ઈંગ્લેન્ડના શિક્ષકોની સમકક્ષ ટીચર ટ્રેનિંગ પૂર્ણ કરી હોવી જોઈએ. કારકીર્દિના પ્રારંભિકકાળમાં હોય તેવા વિદેશી શિક્ષકોને ઈંગ્લેન્ડના શિક્ષકોની માફક જ ઘટાડેલા ટાઈમટેબલ્સ અને મેન્ટરની સુવિધા સહિત ઈન્ડક્શન પીરિયડ મળશે.
સ્કૂલ્સ મિનિસ્ટર રોબિન વોકરે જણાવ્યું હતું કે વિશ્વમાં શિક્ષક બનવા માટે ઈંગ્લેન્ડ વિશ્વસ્તરીય તાલીમ, ઊંચા માપદંડો અને શ્રેષ્ઠ તક સાથેનું સૌથી આકર્ષક સ્થળ બની રહેવું જોઈએ. હેડટીચર્સે આ પગલાંને આવકારવા સાથે જણાવ્યું છે કે શાળાઓ અનેો કોલેજોમાં શિક્ષકોની ભારે અછત વર્તાઈ રહી હોવાની આ નિશાની છે.
હાલ યુરોપ, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ન્યૂ ઝીલેન્ડ, જિબ્રાલ્ટર, નોર્ધર્ન આયર્લૅન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ સહિત ૩૯ દેશની શિક્ષણની લાયકાતો માન્ય છે તેના બદલે અન્ય દેશોના શિક્ષકોના બહોળા અનુભવ અને લાયકાતનો લાભ ઈંગ્લેન્ડના વિદ્યાર્થીઓને મળશે.