એસાઈલમ સીકર્સને કાયમી વસવાટ નહિ

Friday 26th March 2021 07:40 EDT
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે યુકેની વર્તમાન એસાઈલમ સિસ્ટમ તેમજ ગેરકાયદે માઈગ્રન્ટ્સ સંબંધિત ઈમિગ્રેશન નીતિમાં ધરમૂળ ફેરફાર સૂચવતી દરખાસ્તો કોમન્સ સમક્ષ રજૂ કરી છે. આ દરખાસ્તોમાં અસુરક્ષિત લોકોની હેરાફેરી કરનારા અને વિદેશી અપરાધીઓ માટે સખત જેલસજાનો તથા એસાઈલમ ક્લેઈમ્સની નવી ‘વન સ્ટોપ’ પ્રોસેસ અને એસાઈલમ સીકર્સને કાયમી વસવાટનો અધિકાર નહિ આપવાનો પણ સમાવેશ થાય છે. મહત્ત્વપૂર્ણ દરખાસ્તો આ મુજબ છેઃ

• યુકેમાં ગેરકાયદે આવનારા માઈગ્રન્ટ્સ એસાઈલમનો મજબૂત દાવો ધરાવતા હશે તો પણ યુકેમાં કાયમી વસવાટનો અધિકાર મેળવી નહિ શકે.•‘સલામત દેશ’માં થઈને યુકેમાં ગેરકાયદે આવનારી કોઈ પણ વ્યક્તિ દેશની એસાઈલમ સિસ્ટમ માટે ‘પ્રવેશ માટે ગેરલાયક’ ગણાશે. • સરકાર ‘પ્રવેશ માટે ગેરલાયક’ કેસીસને તેઓ જે દેશમાં થઈને યુકે આવ્યા હોય ત્યાં ઝડપથી પાછા મોકલવા માગશે. • જે લોકોને સલામત દેશમાં મોકલી શકાય તેમ ન હોય તેમને ૩૦ મહિના માટે ‘ટેમ્પરરી પ્રોટેક્શન સ્ટેટસ’ અપાશે જેમાં બેનિફિટ્સની મર્યાદિત સુવિધા તેમજ પારિવારિક પુનર્મિલનના મર્યાદિત અધિકારો રહેશે. • એસાઈલમ ક્લેઈમ્સ સંદર્ભે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે તેમને એકોમોડેશન પૂરું પાડવા નવા રિસેપ્શન સેન્ટર્સની રચના સાથે સરકારની એસાઈલમ એસ્ટેટને વિસ્તારવામાં આવશે. આ ફેરફારોના પરિણામે એસાઈલમ ક્લેઈમ્સનું પ્રોસેસિંગ યુકેની બહાર અથવા ત્રીજા દેશોમાં કરાવાનું શક્ય બનશે.• બાળક કે સગીર હોવાનો દાવો કરતા પુખ્ત વયના લોકોને ઓળખવા વય મૂલ્યાંકન પગલાંને સુધારવાની કાર્યવાહી અમલી બનાવાશે. • નિષ્ફળ એસાઈલમ સીકર્સની હદપારી સંદર્ભે કરાતા છેલ્લી ઘડીના કાનૂની પડકારોને અટકાવવા પ્રોટેક્શન સંબંધિત તમામ મુદ્દાઓની એક સાથે જ રજૂઆતની ફરજ પાડવા માટે એસાઈલમ ક્લેઈમ્સની નવી ‘વન સ્ટોપ’ પ્રોસેસ લવાશે. • લોકોની હેરાફરી-સ્મગલિંગ કરનારા લોકોની મહત્તમ જેલની સજા વધારીને આજીવન તેમજ ડિપોર્ટેશન આદેશનો ભંગ કરી યુકે પાછા ફરનારા વિદેશી અપરાધીઓ માટે પાંચ વર્ષની કરાશે. • જે લોરી ડ્રાઈવર્સ પોતાના વાહનોમાં માઈગ્રન્ટ્સને લઈ જતા પકડાશે તેમને માઈગ્રન્ટદીઠ કરાતો ૨,૦૦૦ પાઉન્ડનો દંડ વધારી ૫,૦૦૦ પાઉન્ડ કરાશે. પોતાના વાહનોને સુરક્ષિત નહિ રાખવા બદલ પણ પેનલ્ટી લગાવાશે. • તત્કાળ જોખમમાં હોય તેવા અસુરક્ષિત લોકો માટે નવા માનવતાપૂર્ણ માર્ગો અમલી બનાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter