લંડનઃ નાની બોટ્સમાં ચેનલ પાર કરીને યુકે આવતા એસાઈલમ સીકર્સ હોમ ઓફિસ દ્વારા હદપાર કરાવાની ધમકી વચ્ચે આત્મહત્યાનું ગંભીર અને અભૂતપૂર્વ જોખમ ધરાવતા હોવાનું વોચડોગ ઈન્ડિપેન્ડન્ટ મોનિટરિંગ બોર્ડ (IMB)ના રિપોર્ટમાં જણાવાયું છે.
જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૦ના ગાળામાં હોમ ઓફિસ ‘કોમ્પ્રેસ્ડ’ ચાર્ટર્ડ ફ્લાઈટ્સનો પ્રોગ્રામ ચલાવી રહી હતી ત્યારે ગેટવિક નજીક બ્રૂક હાઉસ ઈમિગ્રેશન રિમુવલ સેન્ટર ખાતે એક તૃતીઆંશ અટકાયતીઓને આત્મહત્યા માટે સતત નજર હેઠળ રખાયા હોવાનું IMBને જણાયું હતું. રિપોર્ટ મુજબ Rule ૩૫ તરીકે જાણીતા આંતરિક નિર્બળતાના રજિસ્ટરમાં વર્ષના અગાઉના મહિનાઓની ૮૫ની સંખ્યા લગભગ પાંચ ગણી વધીને ૩૯૨ થઈ હતી.
વર્ષ ૨૦૨૦ના અંતે બ્રેક્ઝિટની સમયમર્યાદા પૂર્ણ થતા પહેલા ઈયુના એક કે વધુ દેશોમાં થઈ નાની બોટ્સમાં યુકે આવવા માગતા એસાઈલમ સીકર્સને દૂર કરવા સરકારી અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા હતા. ડબ્લિન કન્વેન્શન તરીકે જાણીતા ઈયુ કરાર હેઠળ એક ઈયુ દેશ એસાઈલમ સીકર્સ સૌપહેલા જ્યાંથી આવ્યા હોય તે દેશમાં પરત મોકલી શકે છે.
IMBના રિપોર્ટ અનુસાર અટકાયતીઓની આંતરિક નિર્બળતાના કારણે અગાઉના વર્ષો કરતાં પરિસ્થિતિ વધુ ખરાબ છે અને હોમ ઓફીસ દ્વારા અટકાયતીઓ સાથે અમાનવીય વ્યવહાર કરાય છે. આના પરિણામે, અટકાયતીઓમાં પોતાને ઈજા પહોંચાડવા અને આત્મહત્યાના ઈરાદાના પ્રમાણમાં નાટ્યાત્મક વધારો થયો હતો. રિપોર્ટ જણાવે છે કે નાની બોટ્સમાં ચેનલ ઓળંગીને આવેલા નિર્બળ અટકાયતીઓ માટે બ્રૂક હાઉસ સુરક્ષિત સ્થળ નથી.
રિપોર્ટમાં ૨૬ ફ્લાઈટ્સમાં ૧૨૦થી ઓછાં અટકાયતીને હદપાર કરાયાની સફળતા સામે પ્રશ્ન ઉઠાવાયો છે. એક કિસ્સામાં ૧૧ સીરિયનોને સ્પેન લઈ જવાયા પછી માડ્રિડના માર્ગો પર રઝળતા મૂકી દેવાયા હતા. આ બધા જ ફરી પાછા યુકે આવ્યા છે અને નવેસરથી એસાઈલમ અરજીઓ કરી છે. અટકાયતીઓમાંથી ૭૨ ટકાને પ્લેનમાં બેસાડાતા પહેલા જ અટકમાંથી છોડી દેવાયા હતા.