લંડનઃ હેલ્થકેર વર્કર્સ માટે ઓટોમેટિક વિઝા રિન્યુઅલને લંબાવવાના સરકારના ઈન્કારને લીધે કોવિડ -૧૯ સામેની રાષ્ટ્રવ્યાપી લડતને ભારે અસર પહોંચી રહી હોવાની ટ્રેડ યુનિયનો અને ચેરિટીઝે ચેતવણી આપી હતી. આ પગલાંને લીધે વિદેશના સંખ્યાબંધ હેલ્થ અને કેર સ્ટાફને તેમના મૂળ વતન પાછા જવું પડ્યું છે. હાલ આ સેક્ટર ૧૨૨,૦૦૦ ખાલી જગ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે આ પગલાંને લીધે સ્ટાફની અછતમાં વધારો થઈ રહ્યો છે.
સરકાર હેલ્થકેર સ્ટાફને દેશમાં પ્રવેશતા અટકાવે છે તેટલું જ નહીં પણ જે સ્ટાફ યુકેમાં છે તેમને પણ સરકાર કેવી રીતે હાંકી કાઢે છે તેના વિશે યુનિસને માહિતી આપી હતી.
યુકે કોવિડ-૧૯ની બીજી લહેરમાં પહોંચ્યુ છે અને હેલ્થ કેર સેક્ટર માટે આ સમય તેની મહત્તમ ક્ષમતા સાથે કામ કરવાનો છે ત્યારે આ પ્રશ્રો ઉભાં થયા છે. વધતા દબાણને ખાળવા માટે ડોક્ટર્સ એસોસિએશન યુકેએ હેલ્થકેર વર્કર્સને ઈન્ટેફિનીટ લીવ ટુ રિમેન (ILR) મંજૂર કરવા અનુરોધ કર્યો હતો અને હાલ ચાલી રહેલી વિઝા પ્રોસેસિંગમાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.૧,૬૦૦ જેટલાં ડોક્ટર અને હેલ્થકેર વર્કર્સની સહી સાથેના પત્રમાં આ ચિંતા રજૂ કરાઈ હતી.
દેશ છોડી ગયેલા લોકો ઉપરાંત યુકેમાં રહેલા ઘણાં લોકો તેમના વિઝાને લંબાવવામાં મોટાભાગે વિલંબ અને ભારે ખર્ચને લીધે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સમયસર પોતાના વિઝા રિન્યુ કરાવવામાં નિષ્ફળ જતાં માઈગ્રન્ટ્સને ગેરકાનૂની ઓવરસ્ટેયર્સની શ્રેણીમાં મૂકી દેવાય છે. જે ભવિષ્યમાં લીવ ટુ રિમેનની અરજી કરવાની તેમની યોગ્યતાની આડે આવે છે.