લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગેરકાયદે ઈમિગ્રેશન અટકાવવા ‘ઉદ્દામવાદી યોજના’ જાહેર કરી છે. ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ ફેરફારો જ ખતરનાક ક્રિમિનલ્સ માટે દ્વાર બંધ કરી શકશે તેમ પટેલે કહ્યું હતું. આ માટે ૨૦૨૫ સુધીમાં યુકેની બોર્ડર્સને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે.
મુલાકાતીઓના આગમન પહેલા સિક્યુરિટી અને ક્રિમિનલ ચેકિંગ હાથ ધરી શકાય તે માટે યુકે આવતા તમામ પ્રવાસીએ યુએસ પ્રકારની ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA)ની જેમ આશરે ૯ પાઉન્ડની ફી ચૂકવવી પડશે. સરહદોને ડિજિટલ બનાવવાથી દેશમાં પ્રવેશતા અને દેશ છોડીને જતા લોકોની સંખ્યાની ગણતરી કરી શકાશે. યુકેમાં દર વર્ષે ૩૦ મિલિયન વિઝા એપ્લિકેશનનું પ્રોસેસિંગ થવાની ધારણા છે. ઈયુ પણ આગામી વર્ષથી આગવી પ્રી-ટ્રાવેલ ક્લીઅરન્સ સ્કીમ લાગુ કરશે જેના થકી બ્રિટિશરોએ યુરોપિયન દેશોની મુલાકાત લેતી વખતે ૬ પાઉન્ડની ફી ચૂકવવી પડશે.
નવી પોલિસીમાં માઈગ્રન્ટ્સ અને એમ્પ્લોયર્સ માટે વર્ક વિઝાની અરજી પ્રક્રિયા સરળ બનાવવાની રુપરેખા છે. નવા દસ્તાવેજથી યુકેમાં પ્રવેશના ૨૧ કાનૂની વિઝા માર્ગોને સરળતાથી જાણી શકાશે. તેમાં યુકે આવવા અથવા યુકેમાં રહેવા માટે માઈગ્રન્ટ્સે કઈ જરુરિયાતો પૂર્ણ કરવાની રહેશે તે પણ જણાવાશે. ગેરકાયદે ઈમિગ્રેશન અને એસાઈલમ સુધારા સંબંધિત નવા કાયદા આગામી મહિનામાં રજૂ કરાશે.
હોમ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે અરજદારોએ સિક્યુરિટી ચેકિંગના પ્રોસેસિંગનો ખર્ચ ભોગવવો પડશે. ઈયુના સભ્ય દેશો, યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, સાઉથ કોરિયા, ઈઝરાયેલ અને કેટલાક સાઉથ અમેરિકન દેશો સહિત ૯૦ દેશના પ્રવાસીઓએ યુકેના છ મહિના સુધીના પ્રવાસ માટે વિઝા લેવાના રહેતા નથી.