લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બુધવાર, ૨૪ માર્ચે વિશ્વના દેશોને ચેતવણી આપી છે કે પોતાના ગેરકાયદે પાછા લેવાનો ઈનકાર કરનારા દેશોએ યુકે માટેના વિઝા ગુમાવવા પડશે. તેમણે ઈંગ્લિશ ચેનલમાં ગેરકાયદે માઈગ્રન્ટ્સને લઈ આવતી બોટ્સને પાછી ફેરવવાની અને યુરોપમાં થઈને આવનારા કોઈને પણ રાજ્યાશ્રય- એસાઈલમને નકારવાની પ્રતિજ્ઞા કરી હતી કારણકે તેઓએ ત્યાં જ રહેવું જોઈતું હતું. યુકે સરકાર યુએસ જેવો કાયદો લાવવા વિચારે છે જેમાં માઈગ્રન્ટ્સને પાછા નહિ લેનારા દેશો માટે વિઝા રુટ્સ બંધ કરી દેવાય છે. સરકારના આ પગલાંથી પાકિસ્તાન, ઈરાન, ઈરાક, સુદાન, એરિટ્રીઆ અને ફિલિપાઈન્સ જેવા પોતાના માઈગ્રન્સને પાછાં લેવાનું નકારતા દેશોને ધક્કો વાગશે.
વર્તમાન એસાઈલમ સિસ્ટમ લગભગ નકામી
હોમ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે ફ્રાન્સ તેમજ અન્ય દેશોમાં લોકોની હેરાફેરી કરનારા લોકોના કારણે યુકેની વર્તમાન એસાઈલમ સિસ્ટમ લગભગ નકામી થઈ ગઈ છે અને તેનાથી દેશને ટેક્સપેયર્સના ૧.૩ બિલિયન પાઉન્ડથી વધુ નાણાનો બોજ સહન કરવો પડે છે. હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ‘દાયકાઓમાં આપણી એસાઈલમ સિસ્ટમમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને ધરમૂળ પરિવર્તન આવશ્યક છે કારણકે ગેંગસ્ટર્સ અને સ્મગલર્સના હાથે માર્યા જતા લોકોના જીવન બચાવવાનું જરુરી છે. ફ્રાન્સ અને જર્મનીમાં થઈને યુકેમાં ગેરકાયદે પ્રવેશતા લોકો કોઈ અત્યાચાર કે દમનમાંથી બચવા નહિ પરંતુ, યુકેને પસંદગીના સ્થળ તરીકે માની આવે છે.’
ઉલ્લેખનીય છે કે બુધવારે જ ૬૭ ગેરકાયદે માઈગ્રન્ટ્સ ઈંગ્લેન્ડ આવી પહોંચ્યા હતા, જેની સાથે આ વર્ષમાં ૧,૯૦૬ માઈગ્રન્ટ્સે ઘૂસણખોરી કરી છે. ગયા વર્ષે આ સમયગાળા કરતા આ સંખ્યા ત્રણ ગણી છે. યુકેમાંથી ૧૦,૦૦૦થી વધુ વિદેશી ક્રિમિનલ્સને હદપાર કરવાના છે પરંતુ, તેઓ ખુલ્લેઆમ શેરીઓમાં ઘૂમી રહ્યા છે. બીજી તરફ, યુકેમાં એલાઈલમ મેળવવામાં નિષ્ફળ ૪૨,૦૦૦ લોકોને રહેઠાણ અને સાપ્તાહિક એલાવન્સ આપવા પાછળ કરદાતાઓના નાણાનો જંગી ખર્ચ થઈ રહ્યો છે.
અમેરિકા જેવો કાયદો લાવવા વિચારણા
પ્રીતિ પટેલે પોતાના ગેરકાયદે માઈગ્રન્ટ્સને પાછાં લેવાનું નકારતા દેશોએ યુકેના વિઝા ગુમાવવા પડશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે. હોમ સેક્રેટરી એસાઈલમ મેળવવામાં નિષ્ફળ અરજદારો અને ગેરકાયદે માઈગ્રન્ટ્સને પાછાં લેવાની સંબંધિત દેશોને ફરજ પાડવા વિવિધ ઉપાયો વિચારી રહ્યાં છે. આવો એક ઉપાય અમેરિકન કાયદાને લાગુ કરવાનો છે જેમાં પોતાના ગેરકાયદે માઈગ્રન્ટ્સને પાછા લેવાનો ઈનકાર કરનારા દેશો માટે વિઝા રુટ્સ બંધ કરી દેવાય છે. હોમ ઓફિસ દ્વારા તૈયાર કરાયેલું ૫૦ પાનાના ડોઝિયેરમાં ઈંગ્લિશ ચેનલમાંથી નાની બોટ્સને પાછી ધકેલવા બોર્ડર ફોર્સ માટે વધુ મજબૂત સત્તા આપવાની દરખાસ્તો કરાઈ છે.
સૂચિત દરખાસ્તોનો અમલ મુશ્કેલ
જોકે, ગેરકાયદે માઈગ્રન્ટ્સ પર ત્રાટકવાની હોમ સેક્રેટરીની કડક દરખાસ્તો ખાસ કરીને ફ્રાન્સ સહિતના દેશો સાથે સમજૂતી સાધવા પછી જ અમલી બનાવી શકાય તેમ છે. કેટલાક ગેરકાયદે માઈગ્રન્ટ્સ યુકેમાં હજુ ૩૦ મહિના સુધી રોકાઈ રહે તેવી સંભાવનાઓ વચ્ચે આ પગલાંનો અસરકારક અમલ કેવી રીતે કરી શકાય તે પણ મુખ્ય પ્રશ્ન છે. સૂચિત ફેરફારોમાં ‘સલામત દેશ’માં થઈને યુકેમાં ગેરકાયદે આવનારી કોઈ પણ વ્યક્તિ દેશની એસાઈલમ સિસ્ટમ માટે ‘પ્રવેશ માટે ગેરલાયક’ ગણવામાં આવશે. સરકાર આવા ‘પ્રવેશ માટે ગેરલાયક’ કેસીસ-વ્યક્તિને તેઓ જે સલામત દેશમાં થઈને આવ્યાં હોય ત્યાં અથવા અન્ય ત્રીજા સલામત દેશમાં ‘સત્વરે પાછા મોકલવા’ માગશે.
બીજી તરફ, બોર્ડર ફોર્સને નાની બોટ્સને અટકાવવા તેમજ તેમાં રહેલા લોકો દેશમાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હોવાની શંકા જણાય તો તેમને યુકેથી પાછા મોકલવા નવી સત્તાઓ આપવામાં આવશે. જોકે, આ પ્રસ્તાવ માટે આવા લોકોને પરત લેનારા- સ્વીકારનારા પોર્ટ અથવા દેશ સાથે સમજૂતી કરવી આવશ્યક ગણાશે.
લોકોની હેરાફેરી કરતા અપરાધીઓને અટકાવવા તેમને મહત્ત્મ આજીવન કેદની જોગવાઈ કરાશે તેમજ જે લોરી ડ્રાઈવર્સ પોતાના વાહનોમાં માઈગ્રન્ટ્સને લઈ જતા પકડાશે તેમને માઈગ્રન્ટદીઠ કરાતો ૨,૦૦૦ પાઉન્ડનો દંડ વધારી ૫,૦૦૦ પાઉન્ડ કરાશે. પોતાના વાહનોને સુરક્ષિત નહિ રાખવા બદલ પણ પેનલ્ટી લગાવાશે.
જોકે, અપરાધીઓ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર ત્રાટકવાનો અમલ થાય તે અગાઉ, ચેનલમાં થઈ યુકેમાં પ્રવેશ કરવાના પ્રયાસોમાં ભારે ઉછાળો આવશે તેવી પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. બોર્ડર ફોર્સ સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતા ધ ઈમિગ્રેશન સર્વિસીસ યુનિયન (ISU) દ્વારા જણાવાયું હતું કે ઈમિગ્રેશન નિયમોમાં ફેરફારોની જાહેરાતથી અનિવાર્યપણે ઉછાળો આવશે.