ગેરકાયદે શરણાર્થી કે અપરાધીઓને પરત નહિ લેનારા દેશોને યુકેના વિઝિટર્સ વિઝા નહિ

Wednesday 14th July 2021 05:34 EDT
 
 

લંડનઃ યુકેમાં ગેરકાયદે રહી પડેલા શરણાર્થી કે અપરાધીઓને પરત નહિ લેનારા દેશોને યુકેના વિઝિટર્સ વિઝા અટકાવી દેવાશે. આ અંગે જાહેર કરાયેલું સૂચિત બિલ સહકાર નહિ આપનારા દેશોના નાગરિકો સામે કાર્યવાહી કરવાની સત્તા હોમ સેક્રેટરીને આપે છે. આ બિલમાં વિઝા અરજીઓ સંદર્ભે નાણાકીય જોગવાઈ એટલે કે વિઝા ફીમાં ધરખમ વધારો કરવાની સત્તા પણ અપાઈ છે.

યુકેમાં પ્રવેશ અથવા રહેવા માટે આવશ્યક પરવાનગી વિનાના શરણાર્થીઓ અને અપરાધીઓને સ્વદેશ પરત લેવાનો ઈનકાર કરી રહેલા દેશોના નાગરિકોને વિઝિટર્સ વિઝાની અરજી પ્રક્રિયા સ્થગિત અથવા વિલંબિત કરવાની સત્તા વર્તમાન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને ભાવિ હોમ સેક્રેટરીઓને આપતું સૂચિત નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલ પ્રસિદ્ધ કરાયું છે. આ દરખાસ્તો અમેરિકી કાયદાઓને સુસંગત છે જેમાં, આધારભૂત ડોક્યુમેન્ટ વગરના શરણાર્થીઓને પાછા લેવાનો ઇનકાર કરતા દેશો માટે વિઝા રુટ્સ પરત ખેંચી લેવાની મંજૂરી મળે છે. ઉલ્લેખનીય છે કે ઇરાક, ઇરાન, એરિટ્રિયા અને સુદાન જેવા દેશો શરણાર્થીઓ કે અપરાધીઓને પાછાં લેવા મુદ્દે યુકેને સહકાર આપતા નથી.

હોમ ઓફિસના આંકડાઓનું રેફ્યુજી કાઉન્સિલ દ્વારા વિશ્લેષણ કરાયા અનુસાર વર્તમાન નિયમો હેઠળ યુદ્ધ કે દમનના કારણે પલાયન થયાની સત્તાવાર ચકાસણી કરાઈ હોય તેવા ૯,૦૦૦ લોકોને શરણાર્થી તરીકે સ્વીકારી શકાય તેમ છે પરંતુ, નવા ફેરફારો મુજબ તેમના આગમનના પ્રકાર બદલાઈ જવાથી તેમને યુકેમાં હવે તેમને સુરક્ષા મળી શકશે નહિ. યુકેમાં એસાઈલમ મુદ્દે અસરકારક, વાજબી અને માનવતાપૂર્ણ અભિગમ દાખવવા ‘ટુગેધર વિથ રેફ્યુજીઝ’ સંગઠન રચવા માટે રેફ્યુજી કાઉન્સિલ, બ્રિટિશ રેડક્રોસ, રેફ્યુજી એક્શન અને એસાઈલમ મેટર્સ સહિત ૨૫૦થી વધુ સંગઠનો જોડાયાં છે.

એસાઈલમ સિસ્ટમમાં ધરમૂળ પરિવર્તન 

હોમ સેક્રેટી પ્રીતિ પટેલે આ બિલને ‘યુકેની એસાઈલમ સિસ્ટમમાં દાયકાઓમાં સૌથી વ્યાપક ધરમૂળ પરિવર્તન’ સમાન ગણાવ્યું હતું. આ બિલના પગલાંમાં આ જોગવાઈઓનો સમાવેશ થાય છેઃ

• યુકેમાં ગેરકાયદે પ્રવેશતા શરણાર્થીઓને હવે અન્ય દેશોમાંથી કાયદેસર માર્ગોથી આવનારા લોકોની સમકક્ષ અધિકારો મળશે નહિ • જો તેમની કાયદેસરતાનો દાવો સફળ થાય તો પણ, તેમને અસ્થાયી શરણાર્થીનું સ્ટેટ્સ આપવામાં આવશે અને અચોક્કસ મુદત સુધી હકાલપટ્ટીની સંભાવના રહેશે • શરણાર્થીઓનો યુકેમાં આશ્રય મેળવવાનો દાવો અથવા અપીલ પડતર હોય તો પણ તેમની યુકેમાંથી હકાલપટ્ટી કરી શકાય છે જેનાથી દેશ બહાર રહીને એસાઈલમ પ્રોસેસિંગના માર્ગ ખુલી જશે • ગેરકાયદે રીતે પ્રવેશ મેળવ્યો હોવાનું જણાય તેમના કેટલાક બેનિફિટ્સ અને પારિવારિક પુનર્મિલનના હક્કો મર્યાદિત થઈ શકે છે • દાવાઓ રદ કરાયા હોય તેવા લોકોને દેશમાંથી હકાલપટ્ટીની પ્રક્રિયા ઝડપી બનાવવા અપીલ્સ અને ન્યાયિક પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરાશે • પાયાવિહોણા ક્લેઈમ્સ કરવાનું મુશ્કેલ બનાવાશે અને બાળક હોવાના સ્વાંગમાં વયસ્કોની ઘૂસણખોરી અટકાવવા વયનિર્ધારણ માટે બોન સ્કેનર્સનો ઉપયોગ કરાશે • અપીલની સુનાવણીઓ અગાઉ એસાઈલમ, માનવાધિકાર દાવાઓ અને અન્ય કોઈ સુરક્ષા સંબંધિત બાબતો પર એક સાથે વિચારણા કરવા માટે નવી વન-સ્ટોપ કાનૂની પ્રક્રિયાની દરખાસ્ત છે • ડિપોર્ટેશન ઓર્ડર્સનો ભંગ કરી યુકે પાછા આવનારા લોકોને વર્તમાન છ મહિનાની જેલના બદલે પાંચ વર્ષ સુધી જેલની સજા કરી શકાશે • લોકોની ગેરકાયદે હેરાફેરી કરનારાઓને મહત્તમ પેનલ્ટી તરીકે આજીવન કારાવાસ કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter