લંડન
બ્રિટનમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને રાજ્યાશ્રય માટે આવનારા માઇગ્રન્ટ્સને તેમના આગમનના 3 સપ્તાહમાં જ રવાન્ડા મોકલી દેવાશે. હોમ ઓફિસના આ વિવાદાસ્પદ પ્લાન સામે હાઇકોર્ટમાં ચાલી રેહલી સુનાવણીમાં પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે 3 સપ્તાહનો સમયગાળો ગેરકાયદેસર અને અન્યાયી છે. ચેરિટી અસાઇલમ એઇડે જણાવ્યું હતું કે, આ નિર્ણયને કારણે રાજ્યાશ્રય માટે આવી રહેલા માઇગ્રન્ટ્સને પોતાનો કેસ રજૂ કરવા માટે ઘણો ઓછો સમય મળશે. પરંતુ હોમ ઓફિસે જણાવ્યું હતું કે, આટલા સમયગાળામાં માઇગ્રન્ટ્સ તમામ દલીલો રજૂ કરી શકે છે.
જોકે હજુ સુધી બ્રિટનમાં ગેરકાયદેસર રીતે આવેલા માઇગ્રન્ટ્સને લઇને કોઇ ફ્લાઇટ રવાન્ડા રવાના થઇ નથી. આ કેસનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી તેની કોઇ સંભાવના પણ નથી.
હાઇકોર્ટમાં સવાલ કરાયો હતો કે શું ફ્રાન્સ જેવા સુરક્ષિત દેશમાંથી આવેલા માઇગ્રન્ટને રાજ્યાશ્રય આપ્યા વિના રવાન્ડા મોકલી દેવાનો સરકારને અધિકાર છે ખરો.. અદાલત સંયુક્ત રાષ્ટ્રની રેફ્યુજી એજન્સીની ચિંતાઓ પર પણ વિચાર કરી રહી છે.
સુએલા પર મોર્ડન સ્લેવરીના પીડિતોને બલિના બકરા બનાવવાનો આરોપ
સરકાર રાજ્યાશ્રય માગનારાઓની સંખ્યા પર નિયંત્રણ લાદવા માટે નવા કાયદા તૈયાર કરી રહી છે. સરકાર પર મોર્ડન સ્લેવરીના પીડિતોને બલિના બકરા બનાવવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવતા લોકોને અટકાવવા ઇચ્છે છે. નવા કાયદા થેરેસા મેના કાર્યકાળમાં ઘડાયેલા મોર્ડન સ્લેવરી એક્ટમાં મોટો બદલાવ લાવશે. હાલ તેના માટે હોમ ઓફિસ, ડાઉનિંગ સ્ટ્રીટ અને સરકારી વકીલોમાં ચર્ચા ચાલી રહી છે.