લંડનઃ યુકે સરકારે હોંગકોંગવાસીઓને બ્રિટનની નવી હોંગ કોંગ વિઝા યોજનામાં ઓનલાઈન અરજી કરવા અપીલ કરી છે. ટીમ્સના અહેવાલ મુજબ વિઝા એપ્લિકેશન સેન્ટર્સની બહાર ચીનના અંડરકવર એજન્ટો મૂકી દેવાયા છે જેઓ સેન્ટરમાંથી આવતા-જતાં બળવાખોર નાગરિકોની જાસૂસી કરી રહ્યા છે. આ લોકોને યુકે જતા અટકાવવા તેમના નામ અને ફોટોઝ ચીનના સત્તાવાળાને મોકલાઈ રહ્યા હોવાની ગુપ્ત માહિતી યુકેના મિનિસ્ટર્સને અપાઈ છે.
હોંગ કોંગના બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) નાગરિકો માટે ૩૧ જાન્યુઆરીએ ખુલ્લી મૂકાયેલી પાંચ વર્ષની વિઝા સ્કીમ હેઠળ ૩૫,૦૦૦થી વધુ અરજીઓ યુકેને પ્રાપ્ત થઈ છે. ગયા વર્ષે ચીન દ્વારા ટેરરિઝમને અટકાવવાના બહાના હેઠળ હોંગકોંગવાસીઓ પર કડક સિક્યુરિટી કાયદાઓ લાગુ કરાયાના પગલે બ્રિટને નવી વિઝાયોજના જાહેર કરી છે. મે મહિનાના અંત સુધીમાં આવેલી અરજીની લગભગ અડધી અરજીઓ તો યુકે આવી ગયેલા લોકો દ્વારા કરાઈ છે.
સરકાર હોંગ કોંગમાં રહેલા જે લોકો વિઝાઅરજી કરવા ઈચ્છતા હોય તેમણે રુબરુ નહિ પરંતુ, ઓનલાઈન અરજી કરવી જોઈએ તેમ સમજાવવા ત્યાંના કોમ્યુનિટી ગ્રૂપ્સ સાથે કાર્યરત છે. આ માટે ચીનના અંડરકવર એજન્ટો દ્વારા જાસૂસીનો ભય કારણભૂત ગણાવાય છે. ચોક્કસ બાયોમેટ્રિક પાસપોર્ટ ધરાવતા હોંગકોંગવાસીઓ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી શકે છે જ્યારે, સ્માર્ટફોન દ્વારા પોતાના પાસપોર્ટ્સ સ્કેન કરી નહિ શકતા અરજદારોએ વિઝા સેન્ટરમાં રુબરુ જવાનું રહે છે. જોકે, વિઝા સેન્ટરમાં રુબરુ જવું પડે નહિ તેવો માર્ગ શોધવા માટે પ્રક્રિયાની સમીક્ષા કરાઈ રહી છે.
દરમિયાન, હોંગકોંગવાસીઓને યુકેમાં બરાબર ભળી જવામાં મદદ કરવા રચાયેલા સરકારના ટાસ્ક ફોર્સના એક સભ્ય ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની નવી સિક્યુરિટી નીતિને જાહેરમાં ટેકો આપતા હોવાનું બહાર આવ્યું છે. ધ હોંગકોર્ગર્સ ઈન બ્રિટન સંસ્થાએ યુકે સરકારને પત્ર લખી આનો વિરોધ કર્યો છે. સરકારે ખાતરી આપતા જણાવ્યું છે કે કોઈ સભ્ય ચીનના સિક્યુરિટી કાયદાને ટેકો આપતો જણાશે તેને ટાસ્ક ફોર્સમાંથી દૂર કરી દેવાશે.