લંડનઃ યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ચીનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ-વિક્રમી સંખ્યામાં અરજી કરી છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વેલ્સના વિદ્યાર્થી કરતાં પણ વધી ગઈ છે. યુનિવર્સિટી એડમિશન્સ સર્વિસ Ucasના તાજા આંકડા મુજબ ચીનના અરજદાર વિદ્યાર્થીની સંખ્યા ૧૨ ટકાના વધારા સાથે ૨૮,૯૩૦ થઈ છે. આ સાથે યુરોપિયન યુનિયન પછી બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે તે બીજા ક્રમનું સૌથી મોટું ઓવરસીઝ માર્કેટ બન્યું છે. ગયા વર્ષે આ સંખ્યા ૨૬,૦૦૦ની હતી જ્યારે ૨૦૧૩માં ૬,૯૦૦ની હતી. ભારતથી આવનારા વિદ્યાર્થીની સંખ્યા પણ નોંધપાત્ર વધી છે.
બ્રિટિશ વિદ્યાર્થીઓની સરખામણીએ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ વધુ ફી ચૂકવતા હોવાથી યુનિવર્સિટીઓ તેમના પર વધુ આધાર રાખતી થઈ છે. Ucasના ચીફ એક્ઝિક્યુટિવ ક્લેર મર્ચન્ટે જણાવ્યું છે કે મહામારી પછી બ્રિટન ખુલ્લું મૂકાયું હોવાથી ચીન, ભારત અને હોંગ કોંગના વિદ્યાર્થીઓ માટે યુકેની વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓનું આકર્ષણ વધ્યું છે. ૧૦માંથી લગભગ ૯ વિદ્યાર્થી યુકેને અભ્યાસ માટે આકર્ષક સ્થળ ગણે છે. ઓવરસીઝ વિદ્યાર્થીઓમાં નાઈજિરિયાથી સૌથી વધુ ઉછાળો આવ્યો છે અને ૪૩ ટકા વધારા સાથે અરજદારોની સંખ્યા ૨,૩૮૦ થઈ છે.
દરમિયાન, યુકેની વસ્તીમાં ૧૮ વર્ષીય વસ્તીમાં ૩ ટકાનો વધારો જણાયો છે ત્યારે ગરીબ બ્રિટિશ વિદ્યાર્થીની સંખ્યા પણ વધી છે. Ucasના આંકડા મુજબ સૌથી ગરીબ ૧૮ વર્ષીય વિદ્યાર્થીઓના ૨૮ ટકા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા આતુર છે. ૨૦૧૩માં આ કેટેગરીમાં માત્ર ૧૭.૮ ટકા ગરીબ વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં જોડાવા અરજી કરી હતી. યુનિવર્સિટી પ્લેસીસ માટે અરજી કરનારા ૧૮ વર્ષીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ ટકાના વધારા સાથે ૩૦૬,૨૦૦થી વધીને ૩૨૦,૪૨૦ની થઈ છે. આ વિદ્યાર્થીઓ કારકિર્દીની ગેરન્ટી મળે તે માટે નર્સિંગ અને વોકેશનલ વિષયો પસંદ કરી રહ્યા છે.
જોકે ઈયુ અને મોટી વયના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. મોટી વયના વિદ્યાર્થીની સંખ્યા ૨૦૨૧માં ૨૪ ટકા વધી હતી પરંતુ, આ વર્ષે તેમાં ૧૭ ટકાનો ઘટાડો થયો હતો.