લંડનઃ સીરિયામાં ISIS માં જોડાયેલા બે મહિલા અને એક પુરુષ ત્રણ બ્રિટિશ બાંગલાદેશી તેમની નાગરિકતા ગુમાવવા વિરુદ્ધ કરેલી અપીલમાં જીતી ગયા છે. હવે તેઓ બ્રિટિશ પાસપોર્ટ જાળવી શકશે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી નવેમ્બર ૨૦૧૯માં બે મહિલાનું બ્રિટિશ નાગરિકત્વ રદ કરાયું હતું જ્યારે IS સાથે જોડાણ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધમકીરુપ ગણાવી બાંગલાદેશમાં જન્મેલા એક પુરુષનું બ્રિટિશ નાગરિકત્વ માર્ચ ૨૦૨૦માં રદ કરાયું હતું.
આ ત્રણે વ્યક્તિએ સ્પેશિયલ ઈમિગ્રેશન અપીલ્સ ટ્રિબ્યુનલમાં બ્રિટિશ નાગરિકત્વ રદ કરાવા સામે અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે આ પગલાંથી ત્રણ વ્યક્તિ રાષ્ટ્રવિહોણી બની ગઈ હતી. આથી, તેમનું નાગરિકત્વ રદ કરવાનું હોમ સેક્રેટરી પ્રીતિ પટેલનું પગલું ખોટું હતું. હોમ ઓફિસે જણાવ્યું હતું કે બ્રિટિશ નાગરિકત્વ રદ કરાયું ત્યારે ત્રણે વ્યક્તિ બ્રિટિશ-બાંગલાદેશી દ્વિનાગરિકત્વ ધરાવતા હતા આથી તેઓ રાષ્ટ્રવિહોણા ન હતા. બચાવપક્ષના વકીલોની દલીલ હતી કે ત્રણે વ્યક્તિએ ૨૧ વર્ષના થવા સાથે તેમની બાંગલાદેશી નાગરિકતા ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ISIS લડવૈયાની પત્ની શમીમા બેગમ તેની બ્રિટિશ નાગરિકતા દૂર કરવા વિરુદ્ધ અપીલ કરવા યુકે આવી શકે નહિ તેવો ચુકાદો આપ્યો હતો. તેણે પોતાને બીજી તક આપવા યુકેને અપીલ કરી છે.