લંડનઃ તાજા આંકડા અનુસાર દર સપ્તાહે ૩,૦૦૦ હોંગ કોંગવાસીઓ બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) પાસપોર્ટધારકો માટે યુકેની નવી પંચવર્ષીય વિઝાનીતિનો લાભ મેળવવા અરજી કરી રહ્યા છે. જાન્યુઆરીથી અરજીઓ કરવાનું ખુલ્યા પછી અત્યાર સુધી હોંગ કોંગના ૩૫,૦૦૦થી વધુ BNO પાસપોર્ટધારી નાગરિકોએ પાંચ વર્ષની વિઝા સ્કીમ હેઠળ અરજી કરી હોવાના અહેવાલ છે.
ગત ઉનાળામાં ચીન દ્વારા સુરક્ષા કાયદા લદાયા પછી હોંગ કોંગના નાગરિકોને આ વિઝા રુટ ઓફર કરાયો છે. બ્રિટિશ સરકારને આગામી પાંચ વર્ષમાં ૩૦૦,૦૦૦ હોંગ કોંગવાસીઓ વિઝાઅરજી કરશે તેવી ધારણા છે. હોમ ઓફિસે આગાહી કરી છે કે પહેલા વર્ષમાં જ ૧૨૩,૦૦૦થી ૧૫૩,૦૦૦ BNO નાગરિકો વિઝા અરજી કરશે. હોંગ કોંગમાં ૩૫૦,૦૦૦ BNO પાસપોર્ટધારકો છે અને ૨.૫ મિલિયન લોકો તેના માટે લાયકાત ધરાવે છે. વધારાના ૨.૫ મિલિયન આશ્રિતો સાથે આશરે ૫.૪ મિલિયન હોંગ કોંગવાસી સંપૂર્ણ બ્રિટિશ નાગરિકતાના માર્ગે લઈ જતા વિઝા માટે અરજી કરશે તેમ મનાય છે.
સરકારે આ યોજના હેઠળના વિઝા માટે કોઈ સંખ્યાકીય મર્યાદા મૂકી નથી પરંતુ, ઘણા લોકો હોંગ કોંગમાં જ રહે અથવા પાસિફિક ક્ષેત્રમાં તાઈવાન કે સિંગાપોર જેવાં સ્થળોએ વસવાટ પસંદ કરે તેવી પણ શક્યતા છે. હોંગ કોંગવાસીઓ માટે અગાઉની યોજનાઓની સરખામણીએ વર્તમાન વિઝા સ્કીમ વધુ ઉદાર છે.