લંડનઃ નવા વર્ષથી બ્રિટન આવનારા યુરોપિયન યુનિયન માઈગ્રન્ટ્સ અન્ય દેશોમાંથી આવતા માઈગ્રન્ટ્સની માફક પાંચ વર્ષ સુધી બેનિફિટ્સના ક્લેઈમ્સ મેળવી શકશે નહિ. વર્ક અને પેન્શન્સ સેક્રેટરી થેરેસી કોફીએ સ્પષ્ટ કર્યું છે કે ચાઈલ્ડ બેનિફિટ નિયમોમાં પણ ધરમૂળથી ફેરફાર કરાશે જેથી વર્કર્સ યુકેની બહાર રહેતાં બાળકો માટે નાણા મેળવી શકશે નહિ.
ગત વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા ટોરી પાર્ટીએ આપેલી ખાતરી અનુસારના પગલાં મિસ કોફીએ જાહેર કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ઈયુ અને બિનઈયુ માઈગ્રન્ટ્સ સાથે સમાન વ્યવહાર દ્વારા બ્રિટિશ વેલ્ફેર સિસ્ટમની સુવિધાઓ બાબતે વાજબીપણું સ્થાપિત કરવામાં આવશે. યુકેને પોતાનું ઘર બનાવતા લોકોએ બેનિફિટ સિસ્ટમનો લાભ મેળવતા પહેલાં યોગ્ય સમયગાળા માટે ટેક્સ સિસ્ટમમાં ચૂકવણી કરવી જોઈએ.
યુકેમાં જ રહેતા ઈયુ અને આયર્લેન્ડના નાગરિકોને આ ફેરફારોની કોઈ અસર થશે નહિ. સરકારે જણાવ્યું હતું કે ૨૦૧૬ના રેફરન્ડમ અગાઉ ઈયુ નાગરિકોના ૩૨,૦૦૦ બાળકો વિદેશમાં રહેવા સાથે ચાઈલ્ડ બેનિફિટ પેમેન્ટન્સ મેળવતાં હતાં. બ્રેક્ઝિટના અમલ સાથે યુકે નવા આવનારા માઈગ્રન્ટ્સને આવી ચૂકવણી કરવાની જવાબદારીથી મુક્ત થશે.
૧ જાન્યુઆરીથી પોઈન્ટ્સ આધારિત વિઝા સિસ્ટમ અમલી બની છે જેમાં યુરોપ ખંડના માઈગ્રન્ટ્સ માટે પણ અંગ્રેજી બોલવું અને નોકરીની ઓફર હોવાં જરુરી બન્યા છે. ઓછી કુશળતા ધરાવનારાઓનું ઈમિગ્રેશન લગભગ નાબૂદ જ થઈ જશે. યુકેના વર્ક વિઝા મેળવવાની ઈયુ નાગરિકોની તક વિશ્વના અન્ય અરજદારો જેવી જ રહેશે.