લંડનઃ ચોક્કસ પ્રકારના નોબેલ પારિતોષિકો, ઓસ્કાર અને બ્રિટિશ એવોર્ડ્ઝના વિદેશી વિજેતાઓ માટે ઈમિગ્રેશનની પ્રક્રિયાના અલગ નિયમો બનાવાયા છે. તેમને ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ યુકેના વિઝા માટે પ્રાધાન્ય અપાવાની જાહેરાત હોમ ઓફિસે કરી છે. બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન સિસ્ટમ તરફ વધુ એક પહેલમાં ઓસ્ટ્રેલિયન્સ, કેનેડિયનો અને અન્ય યુવા નાગરિકો માટે વર્તમાન યોજનાના આધારે હોમ ઓફિસે ભારતીય યુવાન નાગરિકો માટે નવી વર્ક વિઝા સિસ્ટમ પણ જાહેર કરી છે.
પ્રતિષ્ઠિત એવોર્ડ્ઝની યાદી લાંબી છે એટલે કે ૨૦૨૦ની ‘ગ્લોબલ ટેલન્ટ’ યોજના હેઠળ વિઝા મેળવવો સરળ બની જશે. વિજ્ઞાનીઓ માટે ફિઝીક્સ, કેમિસ્ટ્રી, અથવા મેડિસીન માટે નોબેલ પ્રાઈઝ અને ફીસેન () ઈન્ટરનેશનલ પ્રાઈઝ તેમજ મેથેમેટિક્સ માટે માત્ર ફિલ્ડ્સ મેડલનો સમાવેશ કરાયો છે. કોમ્પ્યુટિંગ, એન્જિનીઅરીંગ અને સોશિયલ સાયન્સીસના મેડલિસ્ટ માટે પણ તક ઉભી થશે. સાહિત્યકારો માટે માર્ગ થોડો કઠણ છે કારણકે માત્ર નોબેલ પ્રાઈઝ મેળવનારાને જ ફાસ્ટ ટ્રેક વિઝા મળી શકશે. બૂકર પ્રાઈઝને લિસ્ટમાં મૂકાયું નથી.
વિઝ્યુઅલ આર્ટ્સ, ફેશન, આર્કિટેક્ટર, ડાન્સ, ફિલ્મ અને થીએટર માટે પ્રાઈઝની થોડી કેટેગરી ફાસ્ટ ટ્રેક વિઝા માટે માન્ય રહેશે. મુખ્ય પાત્રમાં અભિનય માટેના ઓસ્કાર વિજેતાને જ આવી તક મળશે. સપોર્ટિંગ એક્ટર્સ તેમજ સિનેમેટોગ્રાફી, ડાયરેક્શન અથવા લેખન જેવી ટેકનિકલ કેટેગરીઝના વિજેતાનો સમાવેશ યાદીમાં કરાયો નથી. આ જ રીતે, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે ટોની એવોર્ડ્ઝના વિજેતા ઝડપથી યુકેનો વિઝા મેળવી શકશે પરંતુ, શ્રેષ્ઠ સેટ ડિઝાઈનના વિજેતાઓને તક નહિ મળે. સંગીત માટેની કેટગરીમાં બ્રિટ્સના આંતરરાષ્ટ્રીય પુરુષ અને મહિલાને એવોર્ડ, મોબો એવોર્ડ્ઝમાં આંતરરાષ્ટ્રીય રજૂઆત અથવા લાઈફટાઈમ એચિવમેન્ટના ગ્રેમી એવોર્ડ્સને ફાસ્ટ ટ્રેક વિઝાની યાદીમાં મૂકાયા છે.
આર્ટ્સ અને સાયન્સ સ્કીમ ગ્લોબલ ટેલન્ટ વિઝા રુટને વ્યવસ્થિત બનાવે છે. આ યોજના હેઠળ યુકેમાં પાંચ વર્ષ સુધી રહેવા અને કામ કરવા માટે અરજદારે આર્ટ્સ કાઉન્સિલ અને રોયલ એકેડેમી સહિત ૬ પ્રોફેશનલ સંસ્થાઓમાંથી એકનું એન્ડોર્સમેન્ટ મેળવવાનું રહેશે. નવી ફાસ્ટ ટ્રેક પદ્ધતિ હેઠળ પ્રાઈઝ વિજેતાઓ સીધી જ અરજી કરી શકશે.
ભારતીયોને યુથ મોબિલિટી સ્કીમનો લાભ
યુકે અને ભારતના વડા પ્રધાનો વચ્ચે તાજેતરની વર્ચ્યુઅલ બેઠકના પગલે ભારત માટે અલગ ઈમિગ્રેશન જાહેરાત કરાઈ હતી. યુથ મોબિલિટી સ્કીમ હેઠળ બંને દેશના યુવા નાગરિકો એકબીજાના દેશમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાનો અધિકાર ધરાવશે. યુથ મોબિલિટી સ્કીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, કેનેડા, જાપાન અને હોંગ કોંગ સહિત નવ દેશ અને પ્રદેશોના ૧૮-૩૦ વયજૂથના યુવા નાગરિકો વિશેની પહેલ છે. આ જ યોજના હેઠળ યુકેમાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકો અને ભારતમાં ગેરકાયદે બ્રિટિશરોને દેશનિકાલ કરવાની જોગવાઈ છે.