લંડનઃ પોલીસ નેશનલ કોમ્પ્યુટર (PNC) માં સર્જાયેલી અકસ્માત ભૂલના કારણે ૪૦૦,૦૦૦થી વધુ ક્રાઈમ રેકોર્ડ્સ નષ્ટ થયાની શક્યતા છે. આ ભૂલથી અપરાધીઓની ફિંગરપ્રિન્ટ્સ, DNA અને ગુનાખોરીના ઈતિહાસનો નાશ થવા ઉપરાંત, વિઝા સિસ્ટમને પણ ગંભીર અસર પહોંચી શકે છે. PNC સાથે વિઝાઅરજીઓનું ચેકિંગ કરવામાં આવે છે તે બે દિવસ બંધ કરી દેવાયા પછી ફરી ચાલુ કરાયું હતું.
ધ ગાર્ડિયન અખબારના અહેવાલ અનુસાર ૧૦ જાન્યુઆરીએ નકામો ડેટા દૂર કરવાની કવાયતમાં કોડિંગ ભૂલથી અકસ્માતે જ આ રેકોર્ડ્સનો નાસ થયો હતો. આ ઘટનાથી હંમેશ માટે સાચવી રખાતા ગંભીર અપરાધોના રેકોર્ડ્સનો નાશ થવાથી ફિંગરપ્રિન્ટ્સ, DNA અને ગુનાખોરીના ઈતિહાસ અદૃશ્ય થઈ ગયો છે અને આવા અપરાધીઓને પકડી લેવામાં મુશ્કેલી નડશે તેમ પોલીસ માને છે. હોમ ઓફિસ દ્વારા સંચાલિત PNCને અસર કરતી ભૂલ વિશે સંપૂર્ણ નિવેદન આપવા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પર દબાણ વધી રહ્યું છે.
PNC માં અંદાજે ૨૧૩,૦૦૦ અપરાધના રેકોર્ડ્સ, ૧૭૫,૦૦૦ એરેસ્ટ રેકોર્ડ્સ અને ૧૫,૦૦૦ વ્યક્તિના રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. એક વ્યક્તિના રેકોર્ડ્સમાં સંખ્યાબંધ ગુનાઓની નોંધ તેમજ એક એરેસ્ટ રેકોર્ડમાં સંખ્યાબંધ ગુનાઓ પણ સંકળાયેલા હોઈ શકે છે. DNA ડેટાબેઝ પણ PNC સાથે સંકળાયેલો છે. આના પરિણામે, ૨૧,૭૧૦ વ્યક્તિના ૨૬,૦૦૦ જેટલા DNA રેકોર્ડ્સને પણ અસર પહોંચી છે. રેકોર્ડ્સ નાશ થવાની અસર વિઝા કામગીરી પર થઈ રહી છે. આ ઉપરાંત, ૩૦,૦૦૦ ફિંગરપ્રિન્ટ્સનો રેકોર્ડ્સ પણ નાશ પામ્યો હોવાનું મનાય છે. એક પોલીસ અધિકારીએ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ (NPCC)ને પાઠવેલા પત્રમાં આ વિગતો બહાર આવી છે.
પોલિસીંગ મિનિસ્ટર કિટ માલ્ટાઉસે જણાવ્યું હતું કે PNC માહિતીનો વિશાળ ડેટાબેઝ છે જેને જાળવણીની જરુર પડે છે. રાબેતા મુજબની મેન્ટેનન્સ કામગીરીમાં માનવીય ભૂલથી કોઈ ખામીપૂર્ણ કોડ દાખલ થઈ જવાથી કેટલાક રેકોર્ડ્સનો નાશ થયો છે જેની તપાસ ચાલી રહી છે. શેડો હોમ સેક્રેટરી નિક થોમસ-સાયમન્ડ્સે પત્ર લખી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ તાકીદે નિવેદન આપે તેવી માગણી કરી છે.