લંડનઃ મહામારીના પ્રવાસ નિયંત્રણોને નજરમાં રાખી યુકેની હોમ ઓફિસ દ્વારા બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. ગ્રેજ્યુએટ રુટ મારફત યુકે આવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ હવે ૨૭ સપ્ટેમ્બર,૨૦૨૧ સુધી યુકે આવી શકે તેમ અરજી કરી શકશે. અગાઉ આ મર્યાદા ૨૧ જૂન સુધીની હતી. નવા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમયમર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. ગત થોડાં વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહ પૈકીના એક છે.
સત્તાવાર માહિતી અનુસાર ઓટમ ૨૦૨૦માં અભ્યાસ શરુ કરનારા અરજદારો પાસે ૨૭ સપ્ટેમ્બર,૨૦૨૧ સુધી યુકે આવવાનો તેમજ ગ્રેજ્યુએટ રુટ મારફત બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા માટે લાયકાત હાંસલ કરવાનો સમય છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રીમોટ અભ્યાસ શરુ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ આ સમયમર્યાધા વધવાનો લાભ મળશે. આના પરિણામે, વિદ્યાર્થીઓને યુકેમાં આવવા વધુ મહિનાનો સમય તેમજ વિદેશમાં નોકરી-રોજગારી મેળવવાની આશા જીવંત રહેશે.
ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકે સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ સમયમર્યાદા વધારવાની છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. કોરોના વાઇરસના ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણમાં વધારો થવાથી ભારતને ૨૩ એપ્રિલથી પ્રવાસના રેડ લિસ્ટમાં મૂકી દેવાયું હતું. યોગ્યતા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટન આવવાની પરવાનગી હોવાં છતાં, ભારતમાં વાઈરસની બીજી લહેરથી આરોગ્યની સમસ્યાઓ તેમજ યુકેમાં પ્રવેશ પછી ૧૦ દિવસના ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઈન નિયમના કારણે તેમના પર ૧૭૫૦ પાઉન્ડનું વધારાનું ખર્ચભારણ આવી જતું હતુ. આના કારણે પણ અનેક વિદ્યાર્થીઓને યુકે આવવાની યોજના સ્થગિત કરવાની ફરજ પડી છે. જોકે, હવે હોમ ઓફિસે ગાઈડલાઈન્સમાં સુધારા કરીને ૨૧ જૂન સુધીની સમયમર્યાદા લંબાવી ૨૭ સપ્ટેમ્બર કરી છે.
NISAU યુકેના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે,‘થોડા મહિના અગાઉ ભારતને રેડ લિસ્ટમાં મૂકાયા પછી ગ્રેજ્યુએટ રુટ મારફતની યોગ્યતા માટે ૨૧ જૂનની પ્રવેશમર્યાદા લંબાવવા NISAU દ્વારા હોમ ઓફિસને રજૂઆતો કરાઈ હતી. હોમ ઓફિસે અમારી માગ સ્વીકારી તેનો અમને આનંદ છે. ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા કરવામાં અસમર્થ અનેક ભારતીય વિદ્યાર્થીઓને આ નિર્ણયથી રાહત મળશે.’
બ્રિટનમાં PSW વિઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી નોકરી કરી શકે અથવા નોકરી શોધી શકે છે. આ વિઝાની જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગયા વર્ષે કરી હતી. હોમ ઓફિસના આંકડા અનુસાર માર્ચ ૨૦૨૧ના પૂર્ણ થયેલા વર્ષમાં ભારતીય નાગરિકોને અપાયેલા સ્ટડી વિઝામાં ગત વર્ષની સરખામણીએ ૬,૩૯૧ અથવા ૧૩ ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ છે કે મહામારી અને પ્રવાસનિયંત્રણોના અવરોધો છતાં, બ્રિટિશ યુનિવર્સિટીઓમાં સપ્ટેમ્બરના નવા સેમેસ્ટરમાં અભ્યાસ કરવા ભારતીય વિદ્યાર્થીઓ આતુર છે.